55 વિઘા જમીનમાં પાંચ ડોમ તૈયાર: દોઢ કલાકમાં 1 લાખ લોકો ભોજન લઇ શકે તેવી વ્યવસ્થા : 18 ટન મોહનથાળ અને 13 ટન રોટલી બનાવવા તૈયારી
સભા સ્થળ પર 1200 ફૂટ લાંબા અને 400 ફૂટ પહોળા ડોમ તૈયાર કરાયું, આ ડોમમાં 40 ફૂટ લાંબુ અને 60 ફૂટ પહોળું એસી સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું
- Advertisement -
ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવી પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે સાંજે જામનગર અને ત્યારબાદ આવતીકાલે તા. 11ના જામકંડોરણાની મુલાકાત લેનાર હોય જામકંડોરણામાં પ્રકાશ પર્વ દિપાવલી માહોલ સર્જાઇ જવા પામેલ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાદડીયાના ગઢ જામકંડોરણામાં વિરાટ જનસભાને સંબોધનાર હોય આ અંગેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.
‘જામકંડોરણાના મુખ્ય ગેટ પર છોટે સરદારના નામ સાથે વચ્ચે સ્વ.વિઠ્ઠલભાઈનો ફોટો દેખાયો, ઉપર બંને તરફ સિંહ હતા. સભાસ્થળે પહોંચતાં પહેલાં જ 5 કિમીના રસ્તાની બન્ને બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જયેશ રાદડિયા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં મોટાં મોટાં બેનર જોવા મળ્યાં. વીજપોલોને તિરંગાથી રંગી દેવામાં આવ્યા છે અને રસ્તાઓ ડામરથી મઢાતાં ચમકી રહ્યા છે. જામકંડોરણામાં દિવાળી હોય એમ આખું નગર રોશનીથી ઝગમગી ઊઠ્યું છે. ક્યાંય પણ કચરો ન મળે એવી સફાઈ કરવામાં આવી છે. 55 વીઘામાં 5 વિશાળ ડોમ બની રહ્યા છે, દોઢ કલાકમાં 1 લાખ લોકો જમી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે તેમજ 18 ટન મોહનથાળ અને 13 ટન રોટલી બનાવવાની તૈયારીઓ પણ ચાલી રહી છે,’
- Advertisement -
જામકંડોરણામાં મુખ્ય પ્રવેશદ્વારથી શરુ કરી વડાપ્રધાનનાં સભાસ્થળ સુધીના માર્ગની બંને બાજુ પર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ ધારાસભ્ય જયેશ રાદડીયાના મોટા-મોટા બેનર લગાવી માર્ગને સુશોભિત કરવામાં આવેલ છે તેમજ વીજપોલોને પણ તિરંગાથી રંગવામાં આવેલ છે. સમગ્ર જામકંડોરણા રોશનીથી ઝગમગી ઉઠ્યું છે અને હર ઘર મોદી જેવો માહોલ સર્જાઇ જવા પામેલ છે.
જામકંડોરણામાં યોજાનાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આ જનસભાને મેગા-શો ગણવામાં આવી રહ્યો છે. આ વિરાટ જનસભામાં રાજ્ય સરકારનાં મંત્રીઓ, ભાજપના ટોચના નેતાઓ અને કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉમટી પડનાર છે. અહીં એ ઉલ્લેખનીય છે કે વિધાનસભાની આગામી આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પણ આ વખતે ખરાખરીની કમર કસી દીધી હોય ભાજપ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ત્રિપાંખીયો જંગ ખેલાશે. મોદીની આ જામકંડોરણાની જનસભાની પાંચ બેઠકો પર સીધી અસર થશે. તેમજ જયેશભાઈ રાદડીયાની ટીકીટ પણ વડાપ્રધાનની આ જનસભાથી નિશ્ર્ચિત બની જવા પામી છે.
જામકંડોરણાની આ સભામાં કુલ 1000 જેટલી બસ, 1000 જેટલા ટ્રક અને આઈસર, તેમજ ટ્રેક્ટર જેવા ખુલ્લા વાહનો ઉપરાંત 3000થી વધારે ફોર વ્હીલર વાહનોમાં રાજકોટ જિલ્લાના પાંચ વિધાનસભા મત વિસ્તાર એટલે કે રાજકોટ ગ્રામ્ય, ગોંડલ, જેતપુર, ધોરાજી અને જસદણ વિસ્તારમાંથી દોઢ લાખની જનમેદની ઉમટી પડશે. આ માટે 400 વિઘાની વિશાળ જગ્યામાં અલગ-અલગ આઠ જેટલા સ્થળો પર પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે.
જામકંડોરણામાં વડાપ્રધાનનાં ત્રણ અને મુખ્યમંત્રીના એક મળી કુલ ચાર અલગ અલગ હેલીપેડ સભા સ્થળથી નજીકના અંતરે તૈયાર કરી દેવામાં આવેલ છે. આ સભાસ્થળની જમીન ધરાવતા ખેડૂતોને આ માટે 17 લાખનું વળતર પણ ચૂકવવામાં આવેલ છે.
જામકંડોરણામાં વડાપ્રધાન દોઢ લાખની વિરાટ જનમેદનીને સંબોધન કરશે. આ માટે સભા સ્થળ પર 1200 ફૂટ લાંબા અને 400 ફૂટ પહોળા ડોમ તૈયાર કરવામાં આવેલ છે. આ ડેમમાં 40 ફૂટ લાંબુ અને 60 ફૂટ પહોળુ એસી સ્ટેજ તૈયાર કરવામાં આવેલ છે. તેમજ લાખો લીટર પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.
આમ વડાપ્રધાનની જનસભાને લઇને તમામ તૈયારીઓ પરિપૂર્ણ કરી દેવામાં આવી છે.