રાજકોટમાં ગુરુવારથી દિવાળી કાર્નિવલનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. નગરજનોને જલસા કરાવવા માટે મનપા દ્વારા રાજકોટના રેસકોર્સ ફરતે 3 કિ.મી. ગોળાઈમાં આવેલા રિંગરોડ પર રોશનીનો ઝગમગાટ કરવામાં આવ્યો છે. સાંસદ રામ મોકરિયાના હસ્તે ગુરુવારે સાંજે આ દિવાળી કાર્નિવલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્નિવલ દરમિયાન 5 દિવસ માટે અલગ-અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રંગોળી સ્પર્ધા પણ યોજવામાં આવી છે. જેમાં રોડ પર 500 રંગોળી બનાવાશે અને શુક્રવારે રાતથી લોકોને નિહાળવા માટે ખુલ્લી મુકાશે. 18મીએ માધવરાવ સિંધીયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં આતશબાજીનો કાર્યક્રમ પણ યોજાશે. બહુમાળી ભવન ચોકમાં લેઝર શો અને સાઉન્ડ સિસ્ટમથી સૂરો લહેરાવશે. વર્ષ 2016થી રેસકોર્સ રિંગરોડ ખાતે દિવાળી કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે. રાજકોટ શહેરમાં રેસકોર્સ ખાતે દિવાળી મહોત્સવને લઈને 20મી ઓક્ટોબર સુધી બહુમાળી ભવન ચોકથી મેયર બંગલા સુધી વાહનોની અવર-જવર પર પ્રતિબંપ જાહેર કરવામાં આવ્યો છે અને તેમજ આ વિસ્તાર નો-પાર્કિંગ ઝોન જાહેર કરાયું છે.