આંતરરાષ્ટ્રીય ગોલ્ડ મેડલ મેળવનાર મંત્રએ પ્રધાનમંત્રી મોદી સાથે કરી વાતચીત : 32 જેટલા યોગ આસનો જાણતો મંત્ર ચલાવી રહ્યો છે ‘મંત્ર માર્ટ શોપ’
મંત્ર ફાઉન્ડેશન દ્વારા હરખાણી દંપતી કરી રહ્યા છે દિવ્યાંગ બાળકો માટે ઉમદા કાર્યો : દિવ્યાંગતાને દિવ્યગુણમાં પરિવર્તિત કરનાર મંત્રની અનોખી સિદ્ધિ
રાજકોટના યુવા ખેલાડી મંત્ર હરખાણીને પ્રધાનમંત્રી દ્વારા રાષ્ટ્ર બાળ પુરસ્કાર સહિત અન્ય ઘણા પુરસ્કારો એનાયત થયા છે.
– પ્રિયંકા પરમાર
- Advertisement -
જીવનમાં આવતી દરેક મુશ્કેલ પરિસ્થિતિનું નિવારણ શક્ય છે જો તેનો સકારાત્મકતા સાથે સ્વીકાર કરવામાં આવે. મનુષ્ય સ્વભાવવશ આપણે હંમેશા સમસ્યાના નિવારણ કરતાં સમસ્યા પર વધુ ધ્યાન કેન્દ્રીત કરતાં હોઈએ છીએ. ખાસ-ખબર આજ એક એવા માતા-પિતા અને તેના દિવ્યાંગ બાળકની વાત કરવા જઈ રહ્યું છે જેમણે સાર્થક કરી બતાવ્યું છે કે સમસ્યા સામે મન મક્કમ હોય તો મુશ્કેલ પરિસ્થિતિને પણ પરિશ્રમ થકી પરાસ્ત કરી શકીએ છીએ. બાળક જ્યારે ગર્ભમાં હોય છે ત્યારથી જ માતા-પિતા આવનાર બાળક માટે અનેક સપનાઓ જોવાનું શરૂ કરતાં હોય છે. પરંતુ 9 મહિના બાદ જ્યારે બાળક આ દુનિયામાં દિવ્યાંગતા સાથે આવે ત્યારે માતા-પિતાના સપનાઓ એકાએક તૂટી જાય છે. ડાઉનસિન્ડ્રોમ સાથે જન્મેલ દિવ્યાંગ પુત્ર મંત્રને સહર્ષ સ્વીકારીને પિતા જીતેન્દ્રભાઈ હરખાણી અને માતા બીજલબેન હરખાણીએ સમાજ સામે મંત્રની દિવ્યાંગતાને દિવ્ય ગુણોમાં પરિવર્તિત કરી છે.
રાજકોટમાં રહેતાં ઈન્ટરનેશનલ સ્વિમર મંત્ર હરખાણી ભારતનું એકમાત્ર દિવ્યાંગ બાળક છે જેમણે વર્ષ 2019માં અબુધાબીમાં યોજાયેલ દિવ્યાંગ બાળકોના વર્લ્ડ સમર સ્પેશિયલ ઓલિમ્પિકસની સ્વિમિંગ સ્પર્ધામાં બે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા છે. મંત્રએ 72 દેશોમાંથી આવેલા અંદાજે 15 હજાર બાળકોમાંથી સ્વિમિંગની 50 મીટર ફ્રી સ્ટાઈલ અને 50 મીટર બેક સ્ટ્રોક સ્પર્ધામાં ગોડલ મેડલ પ્રાપ્ત કર્યો છે. આ સંદર્ભમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ મંત્ર સાથે વીડિયો કોન્ફરન્સમાં વાતચીત કરી હતી અને અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રીશ્રી સાથેની વાતચીતમાં મંત્રએ તેમને કહ્યું હતું કે, તમે ગુજરાત આવો ત્યારે મારે તમારી સાથે ફોટો પડાવવો છે અને જલેબી ગાંઠીયા ખાવા છે તેમજ હું તમને ચા પણ પીવડાવીશ.
મંત્રની સફળતાની આ સફર વિશે વિસ્તૃત વાત કરતાં તેના પિતા જીતેન્દ્રભાઈ હરખાણીએ જણાવ્યું હતું કે, બાળકની સફળતા ત્યારે જ શ્રેષ્ઠ સિદ્ધીમાં પરિણમે છે જયારે માતા પિતા દિવ્યાંગ બાળકનો પણ નોર્મલ બાળકની જેમ જ કોઈપણ ભેદભાવ વગર સ્વીકાર કરે અને અમે મંત્રનો પહેલા દિવસથી જ સ્વીકાર કર્યો છે. અમે દંપતીએ નક્કી કરી લીધું હતું કે ભગવાને જે આપ્યું છે તેમને સારું કરીને રહીશું. મંત્રને જિમનાસ્ટિક, ડ્રોઈંગ, સ્કેટીંગ અને મ્યુઝીક સાથે સાંકળ્યો હતો પરંતુ મંત્રને આ બધા કરતાં પાણીમાં મજાવી. અને અમે દંપતી સમજી ગયા કે મંત્રને પાણી સાથે સંકળાયેલ ક્ષેત્રમાં આગળ વધારીએ અને શરૂ થઈ ઈન્ટરનેશનલ સ્વિમર બનવાની સફર.
- Advertisement -
10 વર્ષની ઉંમરે કોચ વિપુલભાઈ ભટ્ટના માર્ગદર્શન તળે મંત્રએ સ્વિમિંગની તાલીમ લેવાનું શરૂ કર્યું હતું. પાણીમાં આવતા આનંદને મંત્રએ પોતાના જીવનનું લક્ષ્ય બનાવી લીઘું અને તેમાં જ આગળ વધતો ગયો. જિલ્લા – રાજ્ય – દેશ લેવલે શરૂ કરેલ તરણ સ્પર્ધઆોમાં આગળ વધતાં મંત્રએ ઈન્ટરનેશનલ સ્પર્ધાઓમાં પણ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા અને દેશનું નામ રોશન કર્યું છે. ઉપરાંત વિશેષ સિદ્ધી બદલ મંત્રનું રાજકોટ કલેકટર અરૂણ મહેશ બાબુ દ્વારા સન્માન કરવામાં પણ આવ્યું છે તેમ જીતેન્દ્રભાઈ હરખાણીએ કહ્યું હતું.
મંત્રના ઘડતરમાં પોતાનો જીવ અને સમય રેડી દેતાં જીતેન્દ્રભાઈ અને બીજલબેનએ પોતાના જીવનના દરેક પડાવને એક ચેલેન્જ સમજીને ઉમદા રીતે પાર કરી છે. મંત્રનું નામ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પૂરતું સિમિત ન રહે અને તે આર્થિક રીતે પગભર થઈને અન્ય માટે પ્રેરણાદાયી બને તે માટે મંત્ર માર્ટ નામની શોપ પણ શરૂ કરી છે. તેમજ મંત્ર ફાઉન્ડેશનની સ્થાપના કરીને અન્ય દિવ્યાંગ બાળકો માટે કામ કરી રહ્યા છે. આ ઉપરાંત મંત્રના મમ્મીએ દિવ્યાંગ બાળકો માટે 32 જેટલા પુસ્તકો પણ લખ્યા છે. બીજલબેનના આ સતકર્મની નોંધ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ લીધી છે. તેમજ પૂર્વ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ બીજલબેન લેખિત પુસ્તકોનું અનાવરણ પણ કર્યું છે. મંત્ર તેમના સાથી મિત્રો સાથે સરકારી, કલેકટર તેમજ કમિશ્નર કચેરીમાં થતાં કાર્યક્રમોમાં ડાન્સ પણ કરે છે. તેમજ માઈથોલોજી નૃત્ય પણ ભજવે છે. મંત્રને 32 ટાઈપના યોગા પણ આવડે છે તેમ જીતેન્દ્રભાઈ હરખાણીએ જણાવ્યું હતું.
સંતાનની આંતરિક શક્તિ નિખારવામાં જેટલી મહેનત જીતેન્દ્રભાઈ અને બીજલબેનએ કરી છે એ બધી મહેનતને મંત્રએ સફળ કરી બતાવી છે. હાલ મંત્ર ધોરણ 12માં અભ્યાસ કરી રહ્યો છે અને અભ્યાસ બાદના વધતા સમયમાં તે સ્વિમિંગ અને મંત્ર માર્ટને સમય આપે છે. પરિશ્રમ જેટલો કષ્ટદાયી, સફળતા એટલી જ ઉજ્જવળ હોય છે. જે મંત્ર અને તેના માતા-પિતાએ સાબિત કરી આપ્યું છે.
દરેક દિવ્યાંગ બાળક મંત્ર જેટલી અને તેના કરતાં વધુ સફળતા પ્રાપ્ત કરી શકે છે. બસ જરૂર છે જીતેન્દ્રભાઈ અને બીજલબેનની જેમ ધીરજ અને સકારાત્મકતા સાથે દિવ્યાંગ બાળકને મનમાં કોઈપણ પ્રકારની કડવાશ વિના તેનો સ્વીકાર કરવાની. તો તૈયાર છો હરખાણી દંપતીની જેમ દિવ્યાંગતાને દિવ્યગુણોમાં પરિણમવા માટે ?