જૂનાગઢ ગિરનારી ગ્રુપ દ્વારા શ્રાવણ પર્વે વિશેષ આયોજન
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.29
શ્રાવણ માસના પ્રથમ સોમવારે જૂનાગઢ શહેરના ઝાંઝરડા ચોકડી સ્થિત જલારામ ભક્તિધામ ખાતે ગિરનારી ગ્રુપ દ્વારા ભક્તિ અને સેવાના અનોખા સંગમ સમો હૃદયસ્પર્શી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે 7000 કિલો બરફનો ઉપયોગ કરીને એક ભવ્ય ગુફામાં અમરનાથ શિવલિંગ તૈયાર કરવામાં આવ્યું હતું, જેણે અમરનાથ યાત્રા ન કરી શકતા ભક્તોને આત્માની તૃપ્તિ અને દિવ્ય દર્શનની અનુભૂતિ કરાવી.
- Advertisement -
ઠંડકથી છલકાતું બરફનું શિવલિંગ, મૌનમાં વાત કરતા બરફના તૂટતા અવાજો અને ભક્તોના મંત્રોચ્ચાર સાથે હર હર મહાદેવનો નાદ સમગ્ર વાતાવરણને એક અજોડ દિવ્યતા પ્રદાન કરતો હતો. લાંબી કતારોમાં ઊભેલા ભક્તો એક પછી એક બરફના રસ્તા પર ચાલીને શિવલિંગ સુધી પહોંચતા હતા, જ્યાં પગમાં થતી ઠંડીનો અનુભવ જાણે તેમને ભગવાન સુધી પહોંચાડી રહ્યો હોય તેવો અહેસાસ કરાવતો હતો. શિવલિંગને બીલીપત્ર, પુષ્પો અને ભક્તિભાવથી રીઝવતા ભક્તોનો ઉત્સાહ અદભુત હતો.ગિરનારી ગ્રુપ દ્વારા બહારથી આવેલા પદયાત્રાળુઓ અને ભાવિકો માટે ખાસ ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી, જ્યાં ઉમદા સેવા ભાવથી ભાવિકોને ભોજન પીરસવામાં આવ્યું હતું. વિશેષ વાત એ હતી કે, આ પવિત્ર પ્રસંગે થેલેસેમિયા પીડિત બાળકો માટે ખાસ રક્તદાન કેમ્પનું આયોજન પણ રાખવામાં આવ્યું હતું. સમગ્ર આયોજનમાં ગિરનારી ગ્રુપના કાર્યકરો વહેલી સવારથી જ તન, મન અને ધનથી જોડાયા હતા. ખાસ કરીને જલારામ ભક્તિધામના ટ્રસ્ટી પ્રો.પી.બી. ઉનડકટ, તેમજ ગિરનારી ગ્રુપના સમીર દત્તાણી, સંજય બુહેચા અને તેમની ટીમે આખું આયોજન ખૂબ જ શિસ્તબદ્ધ રીતે સંભાળ્યું હતું.