ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.1
જૂનાગઢ જિલ્લામાં ઔદ્યોગિક વિકાસ અને મૂડીરોકાણને વેગ આપવા માટે આગામી સમયમાં ’ડિસ્ટ્રિક્ટ વાઇબ્રન્ટ સમિટ’નું ભવ્ય આયોજન કરવામાં આવશે. આ સંદર્ભે મળેલી બેઠકમાં જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.
કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, જૂનાગઢમાં રહેલી સંભાવનાઓને ધ્યાને રાખીને ખાસ કરીને ટુરીઝમ, રિલિજીયસ ટુરીઝમ અને એગ્રો પ્રોસેસિંગ જેવા ક્ષેત્રોમાં મહત્તમ રોકાણ થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ. આ ઉપરાંત મેડિકલ, રિયલ એસ્ટેટ અને લઘુ-સૂક્ષ્મ ઉદ્યોગોના વિકાસ પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. સમિટ દરમિયાન નવા સ્ટાર્ટ-અપ શરૂ કરવા ઈચ્છતા યુવાનોને પ્રેરણા અને પ્રોત્સાહન મળી રહે તે માટે વિશેષ સેમિનાર અને પ્રદર્શન (એક્ઝિબિશન)નું પણ આયોજન કરવામાં આવશે. આ સમિટમાં હોટલ એસોસિએશન અને ચેમ્બર ઓફ કોમર્સ જેવા સંગઠનો પણ જોડાશે. બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમાર, ડીડીઓ એચ.પી. પટેલ અને એસપી સુબોધ ઓડેદરા સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ સમિટ દ્વારા જિલ્લામાં રોજગારીની નવી તકો ઉભી થશે અને આર્થિક વિકાસને નવી ઊંચાઈ મળશે.



