ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.3
રાજ્યમાં કપાસ ઉત્પાદન કરતા જિલ્લામાં સુરેન્દ્રનગરના પણ સમાવેશ થાય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં નાના પાયે કપાસની ખેતી કરતા ખેડૂતોની આર્થિક સુરક્ષામાં સુધારો કરવાના હેતુસર સુરેન્દ્રનગર ખાતે આત્મા પ્રોજેક્ટ અને કોહેઝન ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે કપાસની ટકાઉ ખેતી સંદર્ભે જિલ્લા સ્તરીય સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં ખેડૂતોમાં ટકાઉ કપાસની ખેતી પ્રત્યે રસ જાગે તે માટે પ્રાકૃતિક કૃષિ અંગે નાટક રજુ કરી ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના નિવૃત કૃષિ વૈજ્ઞાનિક ડો. ધડુક, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર – કાંધાસરના કૃષિ વૈજ્ઞાનિક ડો. બી સી. બોચલિયા અને ખેડૂતો વચ્ચે પેનલ ડિસ્કશન કરવામાં આવ્યું હતું.
- Advertisement -
આ તકે કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર ભરત એ. પટેલે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, નળ સરોવરએ પંખીઓ માટેનું અભ્યારણ છે. તેની આસપાસના વિસ્તારોના ખેડૂતો બિનરાસાયણિક ખેતી પદ્ધતિ એવી પ્રાકૃતિક કૃષિ દ્વારા ખેતી કરી, આ જીવસૃષ્ટિનું જતન કરે એ સમયની માંગ છે. સાથે જ કોહેઝન સાથે જે ગામો જોડાયા છે, તેઓને નેશનલ પ્રાકૃતિક કૃષિ મિશન સાથે જોડી સંયુક્ત રીતે પ્રાકૃતિક કૃષિ અભિયાનને વિસ્તારવામાં આવશે. આ કાર્યક્રમમાં ‘ચાલો આપણે બધા મળીને આવક વધારવાની દિશામાં આગળ વધીએ ટકાઉ ખેતી પદ્ધતિઓ અપનાવીએ, પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરીએ અને ઝેરી દવાઓ અને ખાતરનો ઉપયોગ ઘટાડીએ’ તેવા શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા.



