કૃષિ અને જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજી પટેલના હસ્તે ધ્વજવંદન કરાશે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.6
રાષ્ટ્રીય પર્વ સ્વતંત્રતા દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી જૂનાગઢ સ્થિત પી.ટી.સી. ગ્રાઉન્ડ ખાતે થશે. કાર્યક્રમના સુચારુ આયોજન માટે કલેકટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં બેઠક યોજાઇ હતી. આ અંગે પૂર્વ તૈયારીઓ શરુ કરવામાં આવી છે. 78માં સ્વતંત્રતા દિવસની જિલ્લાકક્ષાની ઉજવણીમાં રાજ્યના કૃષિ અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન થશે.
- Advertisement -
ધ્વજવંદન થવાનું છે તે સ્થળની તપાસ કરવી, મંચ તૈયાર કરવું, રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટેની તૈયારી, સ્થળ પર મેડિકલ અને ફાયર સેફ્ટી અંતર્ગતની જરુરી કામગીરી, ટ્રાફિક નિયમન, સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સાંસ્કૃતિક કૃતિ રજૂ કરતા ભૂલકાઓને અલ્પાહાર સહતિ જરુરી વ્યવસ્થાઓ માટે ઘટતું થાય તે જોવા સંબંધિત અધિકારીશ્રીઓને, જિલ્લા કલેકટરએ સૂચના આપી હતી.તેમજ સાફ-સફાઈ, વૃક્ષારોપણ, વીજ પુરવઠો, પાણી, લાઇટીંગ અને ડેકોરેશન તેમજ પરેડની કામગીરી માટે પોલીસ બંધોબસ્ત ગોઠવવા સહિતની બાબતો માટે માર્ગદર્શન સાથે નિર્દેશ આપ્યા હતા. સમગ્ર જિલ્લામાં ’હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત નાગરિકો ઘરે ઘરે તિરંગો લહેરાવે તે માટે જાગૃત્તિ કાર્યક્રમ, તિરંગા યાત્રા યોજાશે. જિલ્લાની વિવિધ શાળાઓમાં દેશભક્તિ થીમ આધારિત ચિત્ર અને રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. સ્વતંત્રતા દિવસે રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાના રમતવીરો તેમજ પોતાના ક્ષેત્રમાં વિશિષ્ટ સિદ્ધી મેળવનાર પ્રતિભાઓનું સન્માન કરવામાં આવશે. સમગ્ર બેઠકનું સંચાલન જૂનાગઢ જિલ્લા અધિક નિવાસી કલેકટર શ્રી એન.એફ.ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું.