પ્રભારી મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના હસ્તે કરાશે ધ્વજવંદન
ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથના ઉના ખાતે જિલ્લા કક્ષાના સ્વતંત્રતા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત જિલ્લા કલેકટર એચ.કે.વઢવાણિયાના માર્ગદર્શન હેઠળ વિવિધ વિભાગના સંકલનથી વહીવટી તંત્ર દ્વારા પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લાકક્ષાનાં 77માં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ગીર સોમનાથ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી પરસોત્તમભાઈ સોલંકી સહિત સાંસદશ્રી અને ધારાસભ્યશ્રી તેમજ અગ્રણીઓની પણ ઉપસ્થિતિ રહેશે. ઉના-દેલવાડા રોડ ખાતે શાહ એચ.ડી. હાઈસ્કૂલના મેદાનમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી માટે તડામાર તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે.
- Advertisement -
કલેકટરના અધ્યક્ષસ્થાને યોજાયેલી મિટિંગમાં કલેક્ટરશ્રીએ જિલ્લાકક્ષાનો કાર્યક્રમ સુનિયોજીત રીતે યોજાય તે અંગે સંબંધિત વિભાગના શીર્ષ અધિકારીશ્રીઓને માર્ગદર્શિત કર્યા હતાં. તેમજ સાફ-સફાઈ, વૃક્ષારોપણ, વીજ પુરવઠો, પાણી, સહિતની જરૂરી વ્યવસ્થાઓ કરવા માટે નિર્દેશ આપ્યા હતાં. અધિક કલેકટર બી.વી.લિંબાસિયાએ જ્યાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે ત્યાં મેદાનની સ્થિતિ, મંચ તૈયાર કરવો, મહેમાનોને આનુસાંગીક વ્યવસ્થા સહિત અન્ય જરૂરી વ્યવસ્થાઓ કરવા માટે સંબંધિત વિભાગના શીર્ષ અધિકારીશ્રીઓને સૂચના આપી હતી.