ગરમીનો પારો 41 ડિગ્રી પાર થતા તંત્રની બેઠક
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
સમગ્ર રાજ્યની સાથે જૂનાગઢ જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી સખત ગરમી પડી રહી છે. ત્યારે કલેકટર કચેરીના સભાખંડ ખાતે જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ હિટ વેવ સંદર્ભે વિવિધ વિભાગના અધિકારીઓ સાથે જરૂરી સમીક્ષા કરી હતી.
આ બેઠકમાં હિટવેવના પગલે જન સેવા કેન્દ્રો સવારે 9:30 થી શરૂ કરવા તેમજ અરજદારો માટે પાણી અને બેઠકની વ્યવસ્થા કરવા, બપોરના 1 થી 4 વાગ્યા દરમિયાન શ્રમિકો સાઈટ ઉપર કામ ન કરે તે સુનિશ્ચિત કરવા અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત શાળાઓ આંગણવાડીઓમાં પણ બાળકોના આરોગ્યને અસર ન થાય તે માટે પગલાંઓ લેવા,બસ સ્ટેશન ,રેલ્વે સ્ટેશન સહિતના જાહેર સ્થળો પર પૂરતા પ્રમાણમાં પાણીની વ્યવસ્થા રાખવા, આરોગ્ય કેન્દ્રો ખાતે ઓઆરએસ કોર્નરની સુવિધા ઉપલબ્ધ કરવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત બપોરના સમયે વીજ પુરવઠો સતત જળવાઈ રહે તે અંગે પણ સૂચનાઓ આપી હતી.ખાસ કરીને ગરમીના કારણે ભરચક વિસ્તારોમાં આગના બનાવ ન બને એ માટે પણ જરૂરી પગલાં લેવા સંબંધીત અધિકારીઓને તાકીદ કરી હતી.