રાજકોટ – બીજી ઓકટોબરે સવારે ૮.૦૦ વાગ્યે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ‘‘ફીટ ઇન્ડિયા ફ્રીડમ રન’’ યોજાશે, જેમાં શહેરીજનોને સામેલ થવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.
નહેરૂ યુવા કેન્દ્ર, રાજકોટ, કેન્દ્રીય રમત-ગમત અને યુવા પ્રવૃતિઓના વિભાગ, તથા નેશનલ સર્વિસ સ્કીમ(એન.એસ.એસ.) દ્વારા સંયુકતપણે યોજાનારી આ દોડને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મેઇન બિલ્ડીંગ ખાતેથી બીજી ઓકટોબરે સવારે ૮.૦૦ વાગ્યે પ્રસ્થાન કરાવવામાં આવશે. આ દોડ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, મુંજકા સર્કલ, આકાશવાણી સર્કલ, પ્રમુખધામ રોડ, કાલાવડ રોડ, યુનિ.રોડ થઇને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે સંપન્ન થશે. આ દોડનું થીમ ‘‘જનભાગીદારીથી જનઆંદોલન’’ નિયત કરાયું છે. રોજિંદા જીવનમાં શારીરિક ચુસ્તી પ્રત્યે જાગૃતિ કેળવાય અને મેદસ્વિતા-આળસુપણું-તનાવ-ચિંતા-અન્ય રોગો વગેરેથી છુટકારો મળે તેવા શુભાશયથી આ દોડનું આયોજન કરાયું છે. નિવાસી અધિક કલેકટરશ્રી કેતન ઠક્કર અને નહેરૂ યુવા કેન્દ્રના ડીસ્ટ્રીકટ યુથ ઓફિસરશ્રી સચિન પાલ દ્વારા વધુને વધુ નાગરિકોને આ દોડમાં જોડાવા માટે જણાવાયું છે.



