બાળકોને શિક્ષિત કરી ઉજ્જવળ ભવિષ્ય પ્રદાન કરવા કલેકટરનો અનુરોધ
રાશન, આધાર, આયુષ્યમાન, શ્રમિક કાર્ડ બનાવડાવતા રાજકોટ જિલ્લા કલેકટર
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરની શેરીઓમાં રહેતા તેમજ સમાજ સુરક્ષા વિભાગના જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા માન્ય કરાયેલા જરૂરિયાતમંદ બાળકો તેમજ તેમના પરિવારને રોજગારલક્ષી સાધનોરૂપી સહાય વિતરણ કાર્યક્રમ જામનગર રોડ સ્થિત ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખાતે યોજાયો હતો. જેમાં રાજકોટના જિલ્લા કલેકટર પ્રભવ જોષીએ શેરીમાં રહેતા 35 બાળકોને 35 ફોલ્ડીંગ પલંગ તથા ધાબળા અર્પણ કર્યા હતા. જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આ બાળકોના 17 પરિવારોને રોજગારી માટે સાયકલ રિક્ષાઓનું વિતરણ કરી કલેકટર પ્રભવ જોષીએ જરૂરિયાતમંદ પરિવારો પ્રત્યે સંવેદના દાખવી હતી.
કલેક્ટરે બાળકો તથા તેઓના પરિવારજનો સાથે સંવેદનાસભર વાર્તાલાપ કર્યો હતો. બાળકોને અભ્યાસ પુન: શરૂ કરવા, ફરજિયાત નિશાળે જવા, રસીકરણ કરાવવા તથા બાળ મજૂરી છોડી દેવા બાળકોના માતા-પિતાને જણાવ્યુ હતું. શેરીઓમાં રહેતા આ જરૂરિયાતમંદ પરિવારજનોને કલેકટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા સમાજ સુરક્ષા ખાતા દ્વારા ઈ-શ્રમ કાર્ડ, આધારકાર્ડ,પીએમજય કાર્ડ, રેશનકાર્ડ જેવા લાભો પણ આપવામાં આવ્યા હતા. આ માનવીય સંવેદનાસભર કાર્ય બદલ કલેકટરએ પ્રાંત અઘિકારીઓએ તેમજ સમાજ સુરક્ષા અને બાળ સુરક્ષાની ટીમને બિરદાવી હતી.
આ તકે 23 બાળ મજૂરોને ગૃહમાંથી મુકત કરી પરિવાર સાથે પુન:સ્થાપિત કરાયા હતા. બાળકો મળતાં માતા-પિતા આનંદિત થઇ ઉઠયા હતા. આ માતા – પિતાઓને પણ બાળકોને બાળમજૂરી બંધ કરાવીને શાળાએ નિયામિત મોકલવા કલેકટરશ્રીએ અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના ચેરમેન રક્ષાબેન બોળિયા અને સભ્યશ્રી અરુણ નિર્મલ, ડો. રશ્મિકાન્ત ઉપાધ્યાય, મનીષ ખંભાળિયા, એસ.ડી.એમ. પ્રાંત રૂરલ દેવાહુતિ, એસ.ડી.એમ. પ્રાંત રાજકોટ-2 નિશા ચૌધરી, પ્રાંત અધિકારી કે. જી. ચૌધરી, સમાજ સુરક્ષા અધિકારી પ્રાર્થના સેરશિયા, બાળ સુરક્ષા અધિકારી અલ્પેશ ગોસ્વામી, મેહુલગિરી ગોસ્વામી, મામલતદાર જૈમિન કાકડીયા અને એસ. જી. ચાવડા, સમાજ સુરક્ષા વિભાગના અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.