મોરબીમાં ’નડ્ડા’ આવે એટલે ’ખડ્ડા’ બુરાઈ જાય તો હળવદના ખાડા બુરવા પણ જરૂરી !
ખાસ-ખબર સંવાદદાતા
નવરાત્રીના તહેવારને હવે ગણતરીના જ દિવસો બાકી છે. નવરાત્રીમાં ગરબે ઘૂમવા ખૈલેયાઓ આતૂર છે અને તેના માટે ખેલૈયાઓ નવા નવા ગરબાના સ્ટેપ શીખી રહ્યાં છે પરંતુ હળવદના રોડ રસ્તાની એવી ખરાબ હાલત થઈ ગઈ છે કે રોડ પરથી લોકો પસાર થાય તો ગરબા રમવા જ અનુભવો થતો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. હળવદની સરા ચોકડીથી શહેરમાં પ્રવેશતો ડામર રોડમાં માત્ર કહેવા પુરતો જ ડામર રહ્યો છે.
- Advertisement -
આ રસ્તા પર ડામરની જગ્યાએ માત્ર કપચી જ જોવા મળી રહી છે અને આ કપચીવાળા રસ્તા પરથી લોકો પસાર થાય એટલે ફ્રી માં ડમરીનો મેકઅપ થઈ જાય તેવી સ્થિતિ સર્જાય છે.
હળવદ પંથકમાં મેઘરાજાએ જતા જતા જમાવટ કરી છે અને વરસાદના કારણે અનેક રસ્તાઓ ઘોવાઇ ગયા છે. હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં રસ્તાઓ પર ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.
હળવદમાં જ્યાં હજારો વાહનોની અવરજવર રહે છે તે સરા ચોકડીથી શહેરમાં જવાનો રસ્તો જાણે ઉબડખાબડ થઇ ગયો છે. આ રસ્તા પર વાહન ચાલાવવું તો મુશ્કેલ છે જ પરંતુ ચાલીને જવું પણ મુશ્કેલ છે. કહેવાતા ડામર રોડમાં માત્ર કપચી જ દેખાઈ રહી છે ત્યારે આ તૂટી ગયેલો રસ્તો તંત્રને કેમ નથી દેખાતો ? માત્ર નેતાઓની ખાતરદારી માટે રસ્તા રિપેર કરતું તંત્ર લોકોની સમસ્યાને ક્યારે સમજશે ? શું લોકોને કાયમી આવા રસ્તા પરથી જ પસાર થવું પડશે ? આ રસ્તા પાસે જ ધારાસભ્યનું કાર્યાલય પણ આવેલું છે તો શું ધારાસભ્યને પણ આ રસ્તાઓ દેખાતા નહીં હોય ? શું મત લીધા બાદ પ્રજાને ભગવાન ભરોસે છોડી દીધી છે ? તૂટેલા રસ્તાના કારણે અકસ્માતનો પણ ભય રહેલો છે.
- Advertisement -
શું તંત્ર કોઇ અકસ્માત કે કોઇ દુર્ઘટના સર્જાય તેની રાહ જોઇ રહ્યું છે ? તેવા અનેક પ્રશ્નો સર્જાઈ રહ્યા છે.