મહિલા સહિત 70 ખેડૂતોની ધરપકડ કરતાં રોષ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.4
ધ્રાંગધ્રા તાલુકાના ઈશદ્રા ગામે પાવર ગ્રીડ કંપની દ્વારા ખેડૂતોના ખેતરમાં વીજપોલ ઊભા કરવા બાબતે છેલા એકાદ અઠવાડિયાથી ખેડૂત અને કંપનીના કર્મચારીઓ વચ્ચે માથાકુટ ચાલી રહી છે જેમાં અંતે પાવર ગ્રીડ કંપની દ્વારા વળતરના મુદ્દે વિરોધ કરતા ખેડૂતોની અટકાયત હાથ ધરવામાં આવી હતી.
- Advertisement -
ગઈકાલે બપોરના સમયે ઇશદ્રા ગામે ખેડૂતોના ખેતરમાં ખાનગી કંપની દ્વારા જે.સી.બી સહિતના વાહનો લઇ ધસી આવ્યા હતા અને કામ શરૂ કરે તે પૂર્વે સ્થાનિક ખેડૂતો પહોંચી ગયા હતા આ તરફ ખેડૂતો વિરોધ કરી કામ અટકાવવા માટે જણાવતા જ ખાનગી કંપની સાથે બંદોબસ્તમાં આવેલા પોલીસ દ્વારા અટકાયત શરૂ કરી હતી જેમાં મહિલા સહિત કુલ 70 જેટલા ખેડૂતોની અટકાયત કરી પોલીસ વાનમાં બેસાડી દેવામાં આવ્યા હતા.
આ મામલે ખેડૂતો દ્વારા જણાવ્યું હતું કે ખેડૂતો શાંતિથી વિરોધ કરતા હતા છતાં ખાનગી કંપની સાથે આવેલા પોલીસ દ્વારા ખેડૂતોની અટકાયત શરૂ કરી હતી જ્યારે ખેડૂતોની અટકાયત મામલે અન્ય ખેડૂતો મોબાઈલમાં વિડિયો કેદ કરતા હતા તે ખેડૂતોની પણ અટકાયત કરી હતી જેથી ખેડૂતોએ પોલીસ પ્રશાસન સામે રોષ વ્યક્ત કર્યો હતો.