‘ડિસ્કો દાંડિયા’ પર પાટીદાર સમાજનું કડક વલણ
દૂષણો નાથવા 4 મોટા નિર્ણય: મનોજ પનારાએ ‘નિયમ તોડનાર’ને ચેતવણી આપી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.9
મોરબીમાં નવરાત્રિ પહેલાં યોજાતા અર્વાચીન ડિસ્કો દાંડિયા ક્લાસિસમાં ફેલાતા દૂષણોને નાથવા માટે પાટીદાર સમાજે કડક વલણ અપનાવ્યું છે. પાટીદાર અગ્રણીઓ અને ગરબા ક્લાસિસના સંચાલકો વચ્ચેની બેઠકમાં આ અંગે ચાર મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. આ નિર્ણયો ખાસ કરીને પાટીદાર સમાજની બહેનોની સુરક્ષા અને સાંસ્કૃતિક મૂલ્યોની જાળવણીને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યા છે.
આ બેઠકમાં મનોજ પનારાએ સખત શબ્દોમાં કહ્યું હતું કે, નિયમ તોડનારને પહેલાં હાથ જોડી સમજાવીશું અને જો નહીં માને તો કાર્યવાહી કરીશું. ઉલ્લેખનિય છે કે, ગત શનિવારે (2 ઓગસ્ટ) યોજાયેલી ’જનક્રાંતિ સભા’માં હજારો પાટીદારો દ્વારા ડિસ્કો દાંડિયા ક્લાસિસનો બહિષ્કાર કરવાનો સંકલ્પ લેવાયા બાદ આ બેઠકનું આયોજન થયું હતું, જેનું મુખ્ય પરિણામ ડિસ્કો દાંડિયા ક્લાસિસ બંધ કરવા અને પરંપરાગત ગરબા ક્લાસ શરૂ કરવાનું છે.
પાટીદાર સમાજના અગ્રણીઓ મનોજ પનારા અને સાગર સદાતિયાની ઉપસ્થિતિમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં ગરબા અને ડિસ્કો દાંડિયા ક્લાસિસ અંગેના નિર્ણયોની જાહેરાત કરવામાં આવી. ગરબા ક્લાસના સંચાલકોએ આ નિર્ણયોમાં સહકાર આપવાની ખાતરી આપી છે, પરંતુ જો આ નિયમોનું ઉલ્લંઘન થશે તો કડક કાર્યવાહી કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
યોજાયેલી ’જનક્રાંતિ સભા’માં મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ સ્પષ્ટતા કરી હતી કે, પાટીદાર સમાજ ગરબી કે ગરબાનો વિરોધ કરતો નથી, પરંતુ અર્વાચીન ડિસ્કો દાંડિયા ક્લાસિસનો વિરોધ કરી રહ્યો છે. તેમણે જણાવ્યું કે, સમાજ આપણી સંસ્કૃતિ મુજબના ગરબાને પ્રોત્સાહન આપશે. ’જનક્રાંતિ સભા’માં હાજર રહેલા 20 હજારથી વધુ પાટીદારે પ્રતિજ્ઞા લીધી હતી કે, તેઓ અર્વાચીન ડિસ્કો દાંડિયા ક્લાસિસમાં નહીં જાય અને આ સંકલ્પને સમગ્ર ગુજરાતમાં ફેલાવશે. આ આંદોલનનો હેતુ અનેક દીકરીઓ અને પરિવારોને બરબાદ થતા બચાવવાનો છે. જો ગરબા ક્લાસિસના સંચાલકો સહકાર નહીં આપે, તો પાટીદાર સમાજ કાયદો હાથમાં લેતા પણ અચકાશે નહીં તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
ડિસ્કો દાંડિયા વિરુદ્ધ પાટીદાર સમાજના 4 મોટા નિર્ણય
- Advertisement -
કોઈપણ પાટીદાર વિસ્તારમાં ડિસ્કો દાંડિયા ક્લાસિસ નહીં: પાટીદાર વસતી ધરાવતા કોઈપણ વિસ્તારમાં ડિસ્કો દાંડિયા ક્લાસિસ ચલાવવા દેવામાં આવશે નહીં.
પાટીદાર યુવક-યુવતીઓને એન્ટ્રી નહીં: અન્ય વિસ્તારોમાં ચાલતા ડિસ્કો દાંડિયા ક્લાસિસમાં પાટીદાર યુવક-યુવતીઓને પ્રવેશ આપવો નહીં.
કોરિયોગ્રાફર ઘરે જઈને શીખવશે: જો પાટીદાર વિસ્તારોના એપાર્ટમેન્ટના પાર્કિંગ અથવા કોમન પ્લોટમાં ગરબા શીખવવાનું આયોજન થાય, તો ત્યાં કોરિયોગ્રાફર જઈને ગરબા શીખવશે. તેમાં પણ બહેનોને લેડિઝ કોરિયોગ્રાફર જ ગરબા શીખવશે.
ક્ધયા છાત્રાલયમાં ગરબા ક્લાસિસ: રક્ષાબંધનના દિવસથી મોરબીના નવા બસ સ્ટેશન પાછળ આવેલી ક્ધયા છાત્રાલયમાં પાટીદાર સમાજની દીકરીઓ માટે સંસ્કૃતિક ગરબા શીખવવા માટે ક્લાસિસ શરૂ કરવામાં આવશે.