ચાર્જશીટ થયા બાદ આરોપીએ બિનતહોમત છોડી મુકવા કોર્ટમાં અરજી દાખલ કરી હતી
આરોપી સામે કેસ ચલાવવા કોર્ટેનો ચુકાદો, 13 માસ બાદ હવે આગામી સમયમાં ટ્રાયલ શરૂ થશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સમગ્ર દેશમાં હાહાકાર મચાવનાર રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ઘટનામાં પકડાયેલા મુખ્ય સૂત્રધાર મનસુખ સાગઠિયા સહિતના સાતેય આરોપીએ કેસમાંથી બિનતહોમત છોડી મૂકવા કરેલી ડિસ્ચાર્જની અરજી અદાલતે ફગાવી દીધી હતી અને તમામ સામે કેસ ચલાવવા ચુકાદો આપ્યો છે.
રાજકોટના નાનામવા રોડ પર બનેલા ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ઘટનામાં કુલ 27 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ કેસમાં સંડોવાયેલા આરોપીઓ પૈકીના રાજકોટ મહાનગરપાલિકાના ટીપીઓ મનસુખ ધનજી સાગઠિયા, ધવલ ભરત ઠક્કર, નીતિન મહાવીરપ્રસાદ લોઢા, ગૌતમ દેવશંકર જોશી, જયદીપ બાલુભાઈ ચૌધરી, રાજેશ નરસિંહ મકવાણા અને ભીખાભાઈ જીવાભાઈ ઠેબાએ પોતાને ડિસ્ચાર્જ કરી કેસમાં બિનતહોમત છોડી મૂકવા અદાલતમાં અરજી કરી હતી. આ કેસનું હિયરિંગ થતાં બચાવ પક્ષના વકીલોએ એવી દલીલો કરી હતી કે, આરોપીઓ નિર્દોષ છે અને તેઓની સામે પુરાવો ન હોવા છતાં પોલીસે ચાર્જશીટ કરી છે. સાક્ષીઓના નિવેદનમાં સત્યતા જણાતી નથી અને અમુક સાક્ષીઓએ પોતાની જાતને બચાવવા પાછળથી ઉભી કરેલી સ્ટોરીને સમર્થન કરતાં ખોટા નિવેદન લખાવ્યા છે. ત્યારે સામાપક્ષે સ્પેશિયલ પી.પી.તુષાર ગોકાણીએ એવી દલીલો કરી હતી કે, ડિસ્ચાર્જ અરજી નિર્ણિત કરતી વખતે અદાલત માત્ર મર્યાદિત રીતે પુરાવાનું મૂલ્યાંકન કરી શકે. આરોપીઓ તરફે શાહેદોની ઊલટતપાસ કર્યા વિના કે શાહેદ જણાવે છે તેના વિરુદ્ધની હકીકત પ્રસ્થાપિત ન થાય ત્યાં સુધી આરોપીઓ તરફે માત્ર દલીલમાં જણાવવાથી પ્રોસિક્યુશનની પુરાવાની વિશ્વસનીયતા પડકારી શકાય નહીં. ડિસ્ચાર્જ અરજીનો નિર્ણય કરતાં સમયે અથવા ચાર્જફ્રેમ કરતાં સમયે પ્રોસિક્યુશન તરફે રજૂ કરવામાં આવેલા નિવેદનો તેમજ દસ્તાવેજો વગેરે ધ્યાને લેતા ચાર્જફ્રેમ કરતો પૂરતો પુરાવો છે કે કેમ તેટલું જ જોવાનું રહે છે. આ કેસમાં ચાર્જ ફ્રેમ થઈ શકે તેટલો મજબૂત પુરાવો તપાસનીશ અમલદાર દ્વારા એકઠો કરી અદાલત સમક્ષ મૂકવામાં આવ્યો છે. આરોપીઓ તરફે કોઇપણ જાતનો પુરાવો રજૂ કર્યા વિના હાલના તબક્કે મૌખિક રીતે પુરાવાનું માત્ર પોતાની સગવડ અને સમજણ મુજબ અર્થઘટન કરી તેનું વિશ્લેષણ કરવા મિનિ ટ્રાયલને કાયદો સમર્થન આપતું નથી. પ્રોસિક્યુશન દ્વારા દરેક આરોપી વિરુદ્ધ દરેક કલમો હેઠળ ચાર્જફ્રેમ કરવો જોઈએ તેવી માગણી કરી નથી, પરંતુ જે આરોપીનો ગુનામાં જે રીતેનો સહભાગ છે તે મુજબ જ તેવી કલમો હેઠળ તેમની વિરુદ્ધ ચાર્જફ્રેમ કરવાની રજૂઆતો કરવામાં આવી છે. જે પ્રોસિક્યુશનની તટસ્થતાનો પુરાવો છે. પ્રોસિક્યુશનની દલીલો રજૂ થયેલા પુરાવા ધ્યાનમાં લઇ સેશન્સ કોર્ટે સોમવારે બપોરે સાતેય આરોપીઓની બિનતહોમત છોડી મૂકવાની અરજી ફગાવી દીધી હતી. હવે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપીઓ વિરુદ્ધ કેસનું ટ્રાયલ ચલાવવાનો માર્ગ સાફ થઇ ગયો છે. આ કેસમાં ભોગ બનનારના પરિવાર વતી વકીલ તરીકે સુરેશ ફળદુ અને એન.આર.જાડેજા રોકાયા છે.
16 આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યો હતો
તા.25 મે 2024ની સાંજે રાજકોટના નાના મવા રોડ પર આવેલ ઝછઙ ગેમઝોનમાં આગ લાગતા 27 લોકોના મોત થયા હતા અને 3 જેટલા લોકોને ઇજા પહોંચી હતી. જે અંગે પોલીસે ફરિયાદી બની તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ બનાવમાં કુલ 16 આરોપી સામે ગુનો દાખલ થયો છે. જેમાં ટીઆરપી ગેમઝોનના સંચાલકો ધવલ ભરત ઠકકર (ધવલ કોર્પોરેશનના પ્રોપરાઇટર), રેસવે એન્ટરપ્રાઇઝના ભાગીદારો અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, પ્રકાશચંદ ક્ધહેયાલાલ હીરન, યુવરાજસિંહ હરીસિંહ સોલંકી, રાહુલ લલીતભાઇ રાઠોડ, ગેમઝોન મેનેજર નીતિન મહાવીરપ્રસાદ લોઢાજૈન, રાજકોટ મહાનગર પાલિકાના તત્કાલીન ઝઙઘ મનસુખ ધનજીભાઇ સાગઠીયા, આસિસ્ટન્ટ ટીપીઓ ગૌતમ જોષી, મુકેશ મકવાણા, કાલાવડ રોડ ફાયર સ્ટેશનના ફાયર સ્ટેશન ઓફિસર રોહીત વિગોરા, ટીપી શાખાના એન્જીનીયર અને એટીપીઓ જયદીપ બાલુભાઈ ચૌધરી, રાજેશભાઇ નરશીભાઇ મકવાણા, ચીફ ફાયર ઓફિસર ઇલેશ વાલાભાઈ ખેર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસર ભીખા જીવાભાઈ ઠેબા અને ગેમઝોન ખાતે ફેબ્રિકેશનનો કોન્ટ્રાકટ રાખનાર મહેશ અમૃત રાઠોડ સામે ગુનો નોંધાયો છે.
- Advertisement -
પૂર્વ ચીફ ફાયર ઓફિસરે
સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી કરી
રાજકોટ ઝછઙ ગેમઝોન અગ્નિકાંડ કેસમાં રાજકોટ મનપાના પૂર્વ ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી કરી છે. આ પહેલા કાલાવડ રોડ ફાયર સ્ટેશનના પૂર્વ એસટીઓ રોહિત વિગોરાએ પણ સુપ્રીમમાં જામીન અરજી દાખલ કરી છે. ઉલ્લેખનીય છે કે આ આરોપીઓ છેલ્લા એક વર્ષથી રાજકોટ સેન્ટ્રલ જેલમાં કાચા કામના કેદી તરીકે બંદીવાન છે. આગઉ રાજકોટ સેશન્સ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટે પણ આ બંનેની ચાર્જશીટ બાદની રેગ્યુલર જામીન અરજી ફગાવી દીધી હતી જે બાદ હવે તેઓ સુપ્રીમ કોર્ટમાં અરજી કરતા હવે આ અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા આગામી સમયમાં સુનવણી હાથ ધરવામાં આવશે જેમાં કેસની વધુ સુનાવણી તા.17મી જુલાઈ રોજ રાખવામાં આવી છે.
કેસની ટ્રાયલ ચલાવવાનો રસ્તો સાફ થયો
આ સાથે જ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ કેસનું ટ્રાયલ ચાલવાનું રસ્તો ચોખ્ખો થઈ ગયો છે. માટે આગામી સમયમાં કેસની અંદર ટ્રાયલ શરૂ કરવામાં આવશે. આ કેસમાં સરકાર તરફથી સ્પેશિયલ પી.પી. તુષાર ગોકાણી, આસિસ્ટન્ટ પીપી નિતેશ કથીરિયા તથા ભોગબનનાર પરિવાર વતી સુરેશ ફળદુ અને એન. આર. જાડેજા રોકાયા છે.