નેતાઓ શરમ કરો, લોકોને કેટલાં મુર્ખ બનાવશો?
જૂનાગઢમાં 16 વર્ષથી સંકુલ કાર્યરત ન થયું ત્યારે રાજય સરકારે બજેટમાં ગીર સોમનાથમાં સ્પોર્ટ્સ સંકુલની જાહેરત કરી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં 16 વર્ષ પહેલા સ્પોર્ટ્સ સંકુલની જાહેરત થઇ હતી. ગાંધીગ્રામ પાસે વિશાળ સ્પોર્ટ્સ સંકુલનું નિર્માણ કાર્યરત શરૂ થયું હતું. ખાટલે મોટી ખોટ એ છે કે હજું આ સંકુલ ખેલાડીઓને મળ્યું નથી. મેદાનમાં વૃક્ષો અને ઘાસ ઉગી નિકળ્યું છે. કરોડો રૂપિયાનું ધોવાણ થઇ ગયું છે. જૂનાગઢમાં એક પણ રાજકીય નેતા અને અધિકારીઓને આ અંગે રસ ન હોયું તેવું લાગી રહ્યું છે. જૂનાગઢમાં સાંસદ, કોર્પોરેશન અને જિલ્લા પંચાયતમાં ભાજપનું રાજ છે. પરંતુ જૂનાગઢમાં સ્પોર્ટ્સ સંકુલ માટે ધારદાર રજુઆત સરકારમાં કરી શકે તેવા એક પણ નેતા નથી. મુખ્ય મંત્રી સાથે ફોટા પડાવી સોશિયલ મિડીયામાં મુકી વાહ વાહ મેળવી રહ્યાં છે. જૂનાગઢમાં સ્પોર્ટ્સ સંકુલની અવદશા થઇ ગઇ છે. ત્યારે નેતાઓએ ફરી લોકોને મુર્ખ બનાવવાનું કામ શરૂ કરી દીધું છે. જૂનાગઢ મહાનગર પાલીકાનાં બજેટમાં સ્પોર્ટ્સને લઇ કેટલીક જોગવાઇ કરવામાં આવી છે.બજેટમાં વિવિધ સ્પોર્ટ્સલક્ષી સુવિધાઓ ઉભી કરવા માટે રૂપિયા 2 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.લોકોનાં પૈસા વેડફવા સિવાય કશું જ કરવાનું નથી. સ્પોર્ટ્સ સંકુલ કાર્યરત થતું નથી અને મનપા પોતાનાં બજેટમાં રૂપિયા 2 કરોડની જોગવાઇ કરે છે. એટલું બાકી હોય તેમજ રાજ્ય સરકારનાં બજેટમાં ગીર સોમનાથ જિલ્લામાં 12 એકર જમીન ઉપર સ્પોર્ટ્સ સંકુલ બનાવવાની જાહેરત કરવામાં આવી છે. જૂનાગઢમાં 16 વર્ષ પહેલાનું કામ હજુ પૂર્ણ નથી થયું ત્યારે વધુ એક વખત લોકોનાં રૂપિયા બગાડવાની જાહેરત કરવામાં આવી છે. જૂનાગઢનાં નેતા જાગે અને વહેલી તકે સ્પોર્ટ્સ સંકુલ કાર્યરત કરાવી લોકોમાં વિશ્વાસ પ્રસ્થાપિત કરે તે જરૂરી બન્યું છે.
1.85 લાખ લોકોએ ખેલ મહાકુંભમાં રજીસ્ટ્રેશન કરાવ્યું
- Advertisement -
જૂનાગઢ જિલ્લામાં યુવાનો રમત ગમત ક્ષેત્રે આગળ નિકળી શકે તેમ છે. તેનું ઉદાહરણ ખેલ મહાકુંભ છે. છેલ્લા વર્ષોનાં આંકડા જોઇએ તો યુવાનોમાં રમત ગમત પ્રત્યે કેટલો લગાવ છે તે જાણી શકાય. વર્ષ 2019માં 1,97,644 લોકોને રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ચાલુ વર્ષ જૂનાગઢ જિલ્લામા: 1,85,915 લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જૂનાગઢ જિલ્લામાં યુવાનોને રમત ગમત ક્ષેત્રે રસ છે. પરંતુ નેતા અને અધિકારીઓમાં રજુ આ ક્ષેત્રે રસ ન હોય તેવું લાગી રહ્યું છે.
મનપાએ 2.87 કરોડ રૂપિયા સ્વિમીંગ પુલ પાછળ ખર્ચી નાખ્યાં
જૂનાગઢ મહાનગર પાલીકાનો સ્વિમીંગ પુલ ટાઉન હોલ પાસે આવેલો છે. આ સ્વિમીંગ પુલ કાર્યરત હતો. પરંતુ તેના નવીનિકરણનું કામ મનપાએ હાથમાં લીધું છે. તેની પાછળ રૂપિયા 2.87 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. જાણકારોનું માનીએ તો આટલી રકમમાં નવો સ્વિમીંગ પુલ બની જાય છે. તો પછી નવીનિકરણ પાછળ આટલો ખર્ચ કરવાની જરૂર કેમ ઉભી થઇ ? તે સવાલ લોકોમાંથી ઉઠ્યાં છે.