દિવ્યાંગ વિદ્યાર્થીઓ દ્વારા સ્વનિર્મિત રાખડીઓને વેચાણ હેતુ રાખી મહોત્સવનો પ્રારંભ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.10
રક્ષાબંધનનો પાવન અવસર નજીક આવી રહ્યો છે ત્યારે રંગબેરંગી અને કલાત્મક રાખડીઓનું વેચાણ જોરશોરથી ચાલી રહ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ પગભર બને તેમની સુષુપ્ત શક્તિ ખીલે ઉઠે તે માટે બી.આર.સી. વઢવાણ, મુળી અને લાયન્સ કલબ ઓફ રોયલ સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે ગઈ કાલે શુક્રવારે સવારથી સુરેન્દ્રનગર બી.આર.સી. ભવન ખાતે દિવ્યાંગ વિદ્યાર્થીઓ દ્વારા સ્વર્નિમિત રાખડીઓના વેચાણ હેતુ રાખી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
સુરેન્દ્રનગર બી.આર.સી.ભવન અને મુળી ખાતે છેલ્લાં 10 દિવસથી તાલુકાની શાળાઓમાં ધો.1થી 12માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ દ્વારા રો-મટીરીયલ્સમાંથી કલાત્મક રાખડી બનાવવાની કામગીરી તેઓના વાલીઓ અને સ્પેશિયલ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.
- Advertisement -
દિવ્યાંગ વિદ્યાર્થીઓ અને સ્પેશિયલ શિક્ષકો દ્વારા સવારે 10:00થી સાંજના 7:00 કલાક દરમ્યાન બી.આર.સી. ભવન ખાતે ઉભા કરાયેલા રાખી વેચાણ કેન્દ્ર મારફત આ રાખડીઓનું વેચાણ રક્ષાબંધન સુધી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહન મળે અને તેઓ આત્મનિર્ભર બને તેવાં શુભ આશયથી બી.આર.સી., વઢવાણ, મુળી અને લાયન્સ કલબ ઓફ રોયલ, સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે છેલ્લાં બે વર્ષથી આ કાર્યક્રમ કરવામાં આવે છે. આ સમગ્ર પ્રવૃતિમાં રાખડીઓના વેચાણમાંથી જે આવક થાય છે તેમાંથી રાખડી બનાવનાર દિવ્યાંગ વિદ્યાર્થીઓને પ્રવાસ પણ કરાવવામાં આવે છે.
ગત વર્ષે થયેલી આવકમાંથી દિવ્યાંગ વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ, વોટર બોટલ આપવામાં આવી હતી. ત્યારે ઝાલાવાડવાસીઓને આ દિવ્યાંગ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા હેતુસર એક વાર અવશ્ય રાખી વેચાણ કેન્દ્રની મુલાકાત લેવા પધારવા અનુરોધ કરવામાં આવ્યો છે.