પૂર્વ સાંસદે દિગ્વિજયસિંહ જાડેજા પર ભ્રષ્ટાચારના આક્ષેપ કરી CBI તપાસની માંગ કરી
તારે ભ્રષ્ટાચાર કરીને રૂપિયા ભેગા કરવા છે અને તું અમને દબાવવા આવે છે: દિનુ બોઘા સોલંકી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.12
કોડીનાર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના વિજય બાદ યોજાયેલી વિજયોત્સવ સભામાં ભાજપના પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીએ ગીર સોમનાથના કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા સામે ગંભીર આરોપો મૂક્યા છે. જાહેરસભામાં ભાજપના પુર્વ સાંસદ દિનુ સોલંકીએ ગુસ્સે થતાં જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા ઉપર આકાર પ્રહારો કરતાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો લગાવી રાજ્ય સરકાર તપાસ કરાવે તેવી માગ કરી હતી.
ભાજપના પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીએ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાનું નામ લઈને આકરા પ્રહારો કરતા કહ્યું કે, અનેક ગાડીઓ દોડાવી કે દિનુને ઝુકી જાય…પણ તારી સાત પેઢી આવે તો પણ આ નહીં ઝુકે, જ્યાં સુધી તને ભ્રષ્ટાચારી સાબિત ન કરી દઉં ત્યાં સુધી તારી સામે લડાઈ લડીશ અને તેના માટે મારૂં જીવન ન્યોછાવર કરી દઈશ. તું રિટાયર થઈ જઈશ પછી પણ તારી સામેની લડાઈ હું છોડીશ નહીં. તારે ભ્રષ્ટાચાર કરીને રૂપિયા ભેગા કરવા છે અને તું અમને દબાવવા આવે છે. એમ કહીં મારૂં જેટલું ગેરકાયદેસર હોય તે તોડી નાંખવાનો પડકાર કલેક્ટરને ફેંકયો હતો. દિનુભાઈએ જાહેર મંચ પરથી કલેક્ટર પર ભ્રષ્ટાચારના આરોપો લગાવતાં કહ્યું કે, કલેકટર સામેની લડત તેઓ રિટાયરમેન્ટ પછી પણ ચાલુ રાખશે. સોલંકીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, તેઓ કલેક્ટર સામે ઝૂકશે નહીં. પૂર્વ સાંસદે મુખ્યમંત્રી અને ગુજરાત સરકાર સમક્ષ કલેકટર વિરુદ્ધ સીબીઆઈ કક્ષાની એસીબી તપાસની માગણી કરી છે. તેમણે આરોપ મૂક્યો કે, કલેકટરે ગીર સોમનાથ જિલ્લાને લૂંટવાનું કામ કર્યું છે. દિનુભાઈએ જાહેરાત કરી કે તેઓ આવનારા દિવસોમાં જિલ્લાને ભ્રષ્ટાચારમુક્ત બનાવવા માટે આંદોલન શરૂ કરશે. તેમણે લોકોને આ લડતમાં જોડાવા માટે આહ્વાન કર્યું છે. સોલંકીએ કહ્યું કે, જો તેમના આરોપો ખોટા સાબિત થાય તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવે.