જનરલ બોર્ડના નિયમોનો ઉલાળિયો કરીને શાળામાં જમણવાર યોજાયો
કલેક્ટરનાં જાહેરનામાનો ભંગ કરી મોડી રાત સુધી સ્પીકર પણ વગાડ્યા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સરકારી શાળા નં.69માં અંબાજી કડવા પ્લોટ ખાતે શિક્ષક સંઘના પ્રમુખ દિનેશ સદાદિયાએ સેવા નિવૃત શિક્ષક સન્માન સમારોહ યોજ્યો હતો. આ કાર્યક્રમમાં જનરલ બોર્ડના શાળામાં જમણવાર ન યોજવાના ઠરાવનો ઉલાળીયો કરવામાં આવ્યો હતો ઉપરાંત ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખી કલેક્ટર દ્વારા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામામાં લાઉડ સ્પીકર નહીં વગાડવાના નિયમનો પણ ભંગ કરાયો હતો. મોડી રાત્રી સુધી અહીં જમણવાર અને નાચગાન ચાલ્યા હતા. જોકે આ કાર્યક્રમમાં સમજૂ લોકોએ હાજરી આપી નહતી. ભૂતકાળમાં અનેકવખત ભાજપ આગેવાનો હરીશ જોશીથી લઈ ઘણાએ સરકારી શાળામાં જમણવાર યોજવા શિક્ષણ સમિતિ પાસે મંજૂરી માંગી છે ત્યારે અતુલ પંડિતે જનરલ બોર્ડના ઠરાવને આગળ ધરી સરકારી શાળામાં જમણવાર કે કોઈ કાર્યક્રમ યોજવા મનાઈ કરી દીધી હતી. હવે દિનેશ સદાદિયાને સરકારી મિલકતમાં જમણવાર કેમ યોજવા દેવામાં આવ્યો અને તેની પર કોઈ પગલાં લેવામાં આવશે કે કેમ એ જોવું રહ્યું. સાથે જ આ શાળાના આચાર્ય પર કોઈ તપાસ નિમાશે કે કેમ એ પણ સમય જ કહેશે.
કાર્યક્રમનાં અધ્યક્ષ, ઉદ્દઘાટકથી લઈ કોઈ ન ફરક્યું
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિત અને શાસનાધિકારી કિરીટ હરિ પરમારના માર્ગદર્શનમાં રાજકોટ મહાનગર પ્રાથમિક શિક્ષક મંડળના પ્રમુખ દિનેશ સદાદિયાએ સેવા નિવૃત શિક્ષક સન્માન સમારોહના કાર્યક્રમમાં વહાલા-દવલાની નીતિ રાખી આમંત્રિત કરેલા મહેમાનોએ હાજરી આપવાનું ટાળ્યું હતું. આમંત્રણ પત્રિકામાં ઉલ્લેખ છે એવા આ કાર્યક્રમના અધ્યક્ષ, ઉદ્દઘાટકથી લઈ મુખ્ય મહેમાનોમાંથી એકપણ વ્યક્તિ હાજર રહી નહતી. શિક્ષણ સમિતિમાં માત્ર ભ્રષ્ટાચારને પોષતા કેટલાંક ભાજપ આગેવાનો અને અધિકારી જ હાજર રહ્યા હતા.
- Advertisement -
જો ડે. મ્યુ. કમિશનર આશિષ કુમાર અને ચેરમેન અતુલ પંડિતમાં દમ હોય તો સદાદિયા સામે પગલાં લઈ બતાવે
રાજકોટ મહાનગર પ્રાથમિક શિક્ષક મંડળમાં પ્રમુખ દિનેશ સદાદિયાએ કોઈ જ મંજૂરી વિના સરકારી મિલકતમાં નિવૃત શિક્ષક સન્માનનો કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમમાં જનરલ બોર્ડના નિયમ અને કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરવામાં આવ્યો છે ત્યારે હવે જો આ કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં જેઓના નામ છે તેવા જવાબદાર ડે.મ્યુ. કમિશનર આશિષકુમાર અને શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિતની દિનેશ સદાદિયા સાથે સાંઠગાંઠ ન હોય તો તેના વિરુદ્ધ પગલાં લઈ બતાવે એવું આ કાર્યક્રમમાં હાજર લોકો જણાવી રહ્યા છે.
રાજકોટ શિક્ષક સંઘનો સુપર ફ્લોપ કાર્યક્રમ: ખુરશીઓ ખાલી રહી, જેમનાં સન્માનનો કાર્યક્રમ હતો એવા નિવૃત્ત શિક્ષકો પણ ગેરહાજર
રાજકોટ શિક્ષક સંઘ દ્વારા આયોજીત નિવૃત્ત શિક્ષકોનાં સન્માન કાર્યક્રમ સંપૂર્ણ પણે ફ્લોપ રહ્યો હતો. જેમનું સન્માન થવાનું હતું તેવા નિવૃત્ત શિક્ષકો પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા ન હતા તો શ્રોતાઓ પણ કંટાળીને ચાલ્યા ગયા હતા. કાર્યક્રમમાં ખાલી ખુરશીઓ ઉડીને આંખે વળગી રહી હતી.