મૂળ માલીક મનસુખભાઈ પરસાણાએ પોલીસની મદદ લેવી પડી
કુવાડવા સરવે નંબરની કિંમતી જમીન ચાંઉ કરી જવા દિલીપએ અનેક ખેલ કર્યાં
- Advertisement -
પોતાની જમીનમાં ફેન્સિંગ કરવા ગયેલા ફરિયાદીને ધમકાવ્યા અને સાગરીતોનાં ટોળાં ભેગા કર્યાં
પીડિતને ન્યાય અપાવવા કુવાડવા પોલીસના પી.આઈ. અને સ્ટાફની ઉમદા કામગીરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.8
- Advertisement -
રાજકોટમાં જમીન કૌભાંડો તદ્દન સામાન્ય બાબત બની ગયા છે અને લાલચું-કૌભાંડિયાઓ અન્યોની જમીન ખાઈ જવા સદાય તત્પર રહે છે. આવો જ એક કિસ્સો આજે પ્રકાશમાં આવ્યો છે. રાજકોટ તાલુકાના કુવાડવાના રેવન્યૂ સરવે નંબર 213-ઙ2 માં જમીન ધરાવતા મનસુખભાઈ પરસાણાને પણ તેમનાં શેઢા પડોશી દિલીપ ખોડાભાઈ પરસાણાની દાદાગીરી અને ગૂંડાગીરીનો આવો જ કડવો અનુભવ થયો છે. હાઈકોર્ટનો આદેશ મનસુખભાઈની તરફેણમાં હોવા છતાં દિલીપ પરસાણાએ તેમની જમીન પચાવી પાડવા ખૂબ ઉધામા કર્યાં છે. મૂળ માલીક મનસુખભાઈએ પોતાની જમીનમાં ફેન્સિંગ કરવાનો પ્રયાસ કરતા દિલીપ અને તેનાં સાગરીતોએ હથિયાર સાથે આવીને ખૂબ ધમાલ મચાવી હતી. આ સંદર્ભે ફરિયાદી મનસુખભાઈએ કુવાડવા પોલીસ સ્ટેશનને આપેલી અરજી નીચે મુજબ છે :
અમારી માલીકીની ખેડવાણ ખેતીની રાજકોટ જિલ્લા રાજકોટ તાલુકાના ગામ કુવાડવાના રેવન્યુ સરવે નં. 213-ઙ2 હે.આરે.ચો.મી. 1-12-30 અમારા ખેડ ખાતા નં. 537થી આવેલી છે. આ સર્વે નં. 213નો ભાયુ-ભાગણીનો મામલતદાર દ્વારા બનાવેલો રફ સ્કેચ સાથે જોડેલો છે.
હાઈકોર્ટના આદેશ અનુસાર અમારી જમીનમાં પ્રવેશવાનો રસ્તો કુવા પાસેથી છે. આ રસ્તેથી પ્રવેશવાનો અધિકાર અન્ય કોઈનો નથી. આ રસ્તેથી પ્રવેશ કરવા દિલીપભાઈ ખોડાભાઈ પરસાણાએ અવારનવાર કોર્ટ કેઈસ કરેલા. મામલતદાર કોર્ટ, નાયબ કલેકટર અને છેલ્લે હાઈકોર્ટ દ્વારા પણ આ રસ્તેથી ચાલવાની કે પ્રવેશ કરવાની દિલીપભાઈની માંગણી નામંજૂર કરવામાં આવી છે. “દિલીપભાઈ ખોડાભાઈ પરસાણા જેમનો ખેતરમાં જવાનો મારગ, ગાડું, ટ્રેકટર, સાતી-સંચા લઈ જવાનો મારગ ખેરવાના મારગેથી દાખલ થઈ વિરજીભાઈ પ્રેમજીભાઈ પરસાણાના દક્ષિણ શેઢે તથા ચંદ્રેશભાઈ પ્રેમજીભાઈ પરસાણાના ઉત્તર શેઢે આવેલો સેલા તરીકે ઓળખાતી જગ્યામાં છે” આ કોર્ટનો હુકમ છે.
અમારું નિવાસસ્થાન રાજકોટ ખાતે હોવાથી તેમજ દિલીપભાઈ માથાભારે અને બાધુડકાં સ્વભાવના હોવાથી અમે તેમને અમારા ખેતરમાંથી ચાલતા રોકી શક્યા નહીં. આ અંગેના હાઈકોર્ટના આદેશને પણ ઘોળીને પી ગયા. આટલે ન અટકતાં હવે તેમણે અમારી જમીનમાં ફેન્સિંગ ઉભી કરી ગેરકાયદે કબજો કરવાની તેમજ સર્વેયર સાથે મળી અથવા એમને હાઈકોર્ટના આદેશ અંગે અંધારામાં રાખી અમારી જમીન ઉપર પોતાનો કબજો બતાવવાની ગુનાઈત પ્રવૃત્તિ કરી છે.
અમારી જમીન ઉપરનો તેમનો ગેરકાયદે કબજો રોકવાની અમારી કોશિશને નાકામિયાબ બનાવવા તેઓ ધાકધમકી તેમજ ગુંડાગીરીનો આશરો લઈ રહ્યા છે. અમારા જેવા એજ્યુકેટેડ અને સેવાકાર્ય દ્વારા સમાજમાં નામના ધરાવતા અરજદાર દિપકભાઈ જેવા માથાભારે શખ્સની સામે લડવા અસમર્થ છીએ.
તો આપને અમારી નમ્ર અરજ કે, હાઈકોર્ટના મનાઈહુકમ છતાં રસ્તા માટે, કબજો કરવાની કોશિશ કરતાં દિપકભાઈને અટકાવી અમને ન્યાય આપો.