ખમીસણા પાસે નર્મદા કેનાલનો પુલ બંધ થતાં અવરજવર પ્રભાવિત, લોકોએ શરૂ કરવાની કરી માંગ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.30
જિલ્લામાં નર્મદા કેનાલ ઉપર આવેલા અનેક પુલો જર્જરિત થતાં લોકની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમને બંધ કરી દેવામાં આવ્યા છે. આ નિર્ણયથી ગ્રામજનોની દૈનિક અવરજવર પર ભારે અસર થઈ છે. ખાસ કરીને ખમીસણા નજીકનો પુલ, જે 8 ગામોને જોડતો મહત્વનો માર્ગ હતો, તેને માટી નાંખીને બંધ કરી દેવાતા લોકોમાં ભારે રોષ વ્યાપ્ત થયો છે.
- Advertisement -
માહિતી મુજબ, દૂધરેજ નર્મદા કેનાલનો પુલ અને અન્ય કેટલાંક પુલો સાથે કુલ 18 જેટલા પુલોને તંત્ર દ્વારા બંધ કરી દેવાયા છે. ખમીસણા, દિગસર, પાંડવરા, દાણાવાડી સહિતના ગામોના લોકો આ પુલ પર આવન-જાવન કરતા હતા. હવે પુલ બંધ થતાં ગ્રામજનોને લાંબો રસ્તો વળીને જવું પડે છે, જેના કારણે દૈનિક જીવનમાં મુશ્કેલીઓ વધવા લાગી છે.
કોંગ્રેસના આગેવાન રણજીતસિંહ ઝાલાએ જણાવ્યું કે, આ પુલો લોકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યા હતા, પરંતુ એકાએક પુલ બંધ કરી દેવાતા ગ્રામજનો માટે અવરજવર નરકસમાન બની ગઈ છે. 15 દિવસ પહેલાં જ તંત્રએ પુલના બંને છેડે માટી નાખીને રસ્તો બંધ કરી દીધો હતો. હવે તંત્રએ તાત્કાલિક મરામત કરી આ પુલને ફરીથી શરૂ કરવો જોઈએ.
લોકોની માગ છે કે પુલોની તાત્કાલિક મરામત કરી તેમને ફરી શરૂ કરવામાં આવે, જેથી હજારો લોકોની અવરજવર સરળ બને. નહીંતર આવનારા દિવસોમાં લોકો આંદોલનનો માર્ગ અપનાવશે એવી ચીમકી ઉચ્ચારી રહ્યા છે.