માર્ગ અને મકાન વિભાગ દ્વારા 100 વર્ષ જુના પુલ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ, પરંતુ અમલવારી નહીં
રીપોર્ટ આવ્યા બાદ 12 જુલાઈએ બેરિકેટિંગ કરી ગડર મૂકી ભારેવાહનો માટે પ્રવેશબંધી કરાઇ હતી: આ પુલને નવો બનાવવા માટે દરખાસ્ત પણ કરી દેવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના આણંદપર નવાગામ ખાતે આવેલો 100 વર્ષ જુનો પુલ છેલ્લા ઘણા સમયથી નબળી સ્થિતિમાં છે, જેને લઈને માર્ગ અને મકાન વિભાગ દ્વારા પંચાયત હસ્તકના પુલ પર ભારે વાહનો માટે અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
પરંતુ આ પ્રતિબંધ માત્ર કાગળ પર સીમિત રહ્યો હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. આ ઉપરાંત તંત્ર દ્વારા મૂકવામાં આવેલા બેરીકેટ્સ તોડી પાડવામાં આવ્યા છે અને હવે ભારે વાહનો બેરોકટોક પસાર થઈ રહ્યા છે. સૌથી મહત્વનું છે કે અહીં જાહેર ચેતવણી બોર્ડ પણ લગાવવામાં આવ્યુ છે પરંતુ તેની અમલવારી થતી નથી. તેમજ ભારે વાહનો પસાર ન થાય તે માટે લોખંડના ગડર બેરીકેટ લગાવ્યા છે તે પણ તોડી પાડવામાં આવ્યા છે. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે આ બેરીકેટ કોના ઈશારે તોડાયા? શું તંત્રની આમાં મૌન સહમતિ છે? કે પછી તંત્ર વડોદરાના ગંભીરા બ્રિજની જેમ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? શું કોઈનો ભોગ લેવાશે પછી જ તંત્ર જાગશે? ત્યારે આ પુલ જર્જરીત હોવા છતા પણ રોજ હજારોની સંખ્યામાં વાહનચાલકો પસાર થઇ રહ્યા છે. તંત્ર પાસે હજુ પણ સમય છે, તાકીદે કોઇ નિરાકરણ લાવવું જોઇએ, નહીં તો લોકોના ધૈર્યનો સાંધો તૂટશે અને જવાબદારો સામે જનઆક્રોશ ઉભો થશે એ નક્કી છે.
ઉલ્લેખનીય છે કે વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્ય સરકારે રાજ્યના તમામ મેજર-માઇનોર પુલની ચકાસણી કરવા આદેશ આપ્યો હતો જેમાં આ પુલ નબળી સ્થિતિમાં હોવાનું બહાર આવ્યુ હતું. ગાંધીનગર ડિઝાઇન સર્કલ દ્વારા આ પુલની મરામત કરવા માટે પણ સૂચના આપવામાં આવી હોય પ્રથમ તબક્કે જેકેટિંગ અને પ્લાસ્ટર કરવામાં આવશે. સાથે જ આ પુલને નવો બનાવવા માટે દરખાસ્ત પણ કરી દેવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.