મોડી રાત્રે હાઇવે પર પાર્ક કરેલા ટ્રકમાંથી ચોરી કરવાની મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
- Advertisement -
મોરબીના લખધીરપુર રોડ પર આવેલ એક સિરામિક ફેક્ટરીના ગેટ પાસે પાર્ક કરેલા ટ્રેલર (છઉં 14 ૠચ 4377)ની ટાંકીનું ઢાંકણું તોડી આશરે 140 લિટર ડીઝલની ચોરી કરવાના ગુનામાં મોરબી એલસીબી ટીમે બે શખ્સોની ધરપકડ કરી છે. ગત તારીખ 25-10-2025 ના રોજ રાત્રીના 1 થી સવારના 6.30 વાગ્યા દરમિયાન આ ચોરી થઈ હતી, જે અંગે ટ્રેલરના કબજાવાળા રાજસ્થાનના જીતેન્દ્રસિંગ રાજપૂતે મોરબી તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
મોરબી એલસીબી ટીમે સીસીટીવી ફૂટેજ અને બાતમીના આધારે તપાસ હાથ ધરતા જુના ઘૂટું રોડ પર સ્મશાન નજીકથી હરેશભાઈ વિનોદભાઈ બાલસાણીયા અને જીગ્નેશભાઈ ઉર્ફે જુગો ભરતભાઈ ખેર (બંને રહે. હળવદ વિસ્તાર)ને સ્વીફ્ટ કાર (ૠઉં 03 ઇંછ 0581) સાથે ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસે સ્વીફ્ટ કાર, ડીઝલ ચોરીમાં વપરાયેલા 7 ખાલી કેરબા અને પાઇપો સહિત કુલ ₹3,00,450 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીઓની પૂછપરછમાં વિપુલ રેવર અને અમિતભાઈ ઠાકોર સહિત અન્ય બે શખ્સોના નામ ખુલ્યા હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગ મોડી રાત્રીના સમયે હાઇવે અને કારખાના પાસે પાર્ક કરેલા ટ્રકના ડ્રાઈવરો સૂતા હોય ત્યારે તેમની ટ્રકની ડીઝલ ટાંકીના ઢાંકણા પાના વડે તોડી ડીઝલની ચોરી કરતી હતી. મોરબી તાલુકા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.



