કથામૃત:
એક છોકરો પોતાના માતા-પિતા સાથે ફરવા માટે નીકળ્યો હતો. પિતા ગાડી ચલાવતા હતા અને દીકરો પાછળ બેઠો હતો. પિતાને પોતાની આ ગાડી ખૂબ વહાલી હતી. એટલે ખૂબ કાળજીપૂર્વક લગભગ 80ની સ્પીડથી ગાડી ચાલી રહી હતી. થોડીવાર પછી એક આધુનિક ગાડી આ ગાડીને ઓવરટેક કરીને આગળ નીકળી ગઈ. પાછળની સીટ પર બેઠેલા દીકરાએ પિતાને કહ્યું, પપ્પા, આ ગાડી આપણી આગળ નીકળી ગઈ. હવે તમે પણ જરા લીવરનો ઉપયોગ કરો. આપણે એ ગાડીને ઓવરટેક કરી લઈએ. પિતાએ હસતાં હસતાં કહ્યું, બેટા, એ શક્ય નથી કારણ કે આપણી ગાડી કરતા એ ગાડીની કેપેસિટિ વધુ સારી છે. હજુ તો વાત ચાલુ જ હતી ત્યાં ફરીથી એક કાર વાયુવેગે આવી અને સાઇડ કાપીને આગળ નીકળી ગઈ. છોકરાએ પિતાને કહ્યું, શું પપ્પા તમે પણ, આમ ગાડી ચલાવાતી હશે! આ બીજી ગાડી પણ આપણી આગળ નીકળી ગઈ. જરા લીવર દબાવો. પિતાએ થોડા ગુસ્સા સાથે કહ્યું, તને આપણી આગળ નીકળી ગઈ એ કાર જ દેખાય છે ? આપણા કરતા સામાન્ય સ્થિતિની ઘણી કાર છે, જે હજુ આપણી પાછળ જ છે. આ જે ગાડીઓ આગળ નીકળી રહી છે, એ બધી જ ગાડીઓની આગળ નીકળવા આપણે જો લીવર દાબીએ તો આપણે આગળ તો ન જ થઈ શકીએ; પણ ઉલટાની આપણી ગાડીને નુકસાન થાય. છોકરાએ ધીમેથી પપ્પાને વહાલ કરતા કહ્યું, પપ્પા, તો પછી મારી સરખામણી તમે બીજાં અતિ હોશિયાર વિદ્યાર્થીઓ સાથે કરીને મને કેમ સતત ટોકટોક કર્યાં કરો છો ? હું એની સાઇડ કાપવા જઈશ તો મને પણ નુકશાન ન થઈ શકે? અને મારી આગળ નીકળી ગયેલા બધાં વિદ્યાર્થી તમને દેખાય છે; પણ હું બીજાં ઘણાં કરતા આગળ છું, એ તમને કેમ નથી દેખાતું ?
- Advertisement -
અર્થામૃત:
દરેક પર્વત ઉપરથી હીરા-માણેક મળતા નથી અને દરેક હાથીના મસ્તકમાંથી મુક્તા-મણિ પ્રાપ્ત થતો નથી. તે જ રીતે સંસારમાં અત્ર-તત્ર-સર્વત્ર મનુષ્યો હોવા છતાં બધે સાધુપુરુષોનાં દર્શન થતાં નથી; અને દરેક જંગલમાં ચંદનનાં વૃક્ષો ઊગતાં નથી.
બોધામૃત:
- Advertisement -
ભગવાને દરેકના ઘેર જુદી-જુદી ક્ષમતાવાળા સંતાનો આપેલા છે. બીજાં કોઈની સાથે આપણા સંતાનોની સરખામણી કરીને એની ક્ષમતા બહારની અપેક્ષાઓ રાખીશું તો ઉલટાનું આપણી સંતાનરૂપી ગાડીને પણ નુકસાન થશે.