ખાસ-ખબર ન્યૂઝ સુરત, તા.17
સુરતના વરાછા-કતારગામમાં ભંગારના ગોડાઉનમાં ઘંટીઓના થપ્પા; ભાડા પર છે તેઓ ઘંટીઓ વેચી રહ્યા છે, પોતાની હોય તે કારખાનું બંધ કરી તેજીની રાહ જુએ છે હીરા બજાર લાંબા સમયથી મંદીનો માર સહન કરી રહ્યું છે, જેની અલગ-અલગ આર્થિક-સામાજિક અસરો સુરતમાં જોવા મળી રહી છે. મંદીની આ અસર હવે વરાછા અને કતારગામ વિસ્તારમાં આવેલા ભંગારના ગોડાઉનમાં દેખાઈ આવી છે. હીરાના નાના યુનિટો બંધ થઈ રહ્યા છે અને કારખાનેદારો તેમની ઘંટીઓ સ્ક્રેપમાં વેચી રહ્યા છે. સ્થિતિ એ છે કે હીરાની ઘંટીઓથી સ્ક્રેપના ગોડાઉનો ઉભરાઈ ગયા છે, ઘંટી વેચવાવાળા ઘણા આવી રહ્યા છે પણ ખરીદવા માટે કોઈ આવતું નથી. છેલ્લા કેટલાક સમયથી મંદીનો માહોલ ચાલી રહ્યો હોવાના કારણે નાના નાના ઘણા બધા યુનિટો બંધ થઈ ગયા છે તો ઘણા બધા કારીગરોએ હીરાનો ધંધો છોડીને અન્ય જગ્યાએ રોજગારી માટેની તલાશ આદરી દીધી છે. કોઈએ નાના-મોટા વ્યવસાય સ્વીકારીને પરિવારનું ગુજરાન ચાલી શકે તેવી વ્યવસ્થા કરવા લાગ્યા છે. વરાછા વિસ્તારમાં મહાદેવ નગર, સવાણી એસ્ટેટ અને ભવાની સર્કલ નજીક ઘણા બધા સ્ક્રેપ ના ગોડાઉનો આવેલા છે.
3500થી વધુ ઘંટીઓ સ્ક્રેપમાં પડી રહી છે
- Advertisement -
અમે વર્ષોથી ઘંટી લે-વેચનું કામ કરીએ છીએ. છેલ્લા છ મહિના થયા કોઈ ઘંટી લેવા આવતું નથી, વેચવાવાળા ઘણા બધા આવે છે. લગભગ બધા જ સ્ક્રેપના વેપારીઓ પાસે સ્ટોક વધી ગયો છે, તે ગણીએ તો અત્યારે સાડા ત્રણ હજાર જેટલી ઘંટીઓ પડી રહી છે. નાના યુનિટો જે ભાડા પર ચાલે છે તે બંધ કરીને કારખાનેદારો સામાન વેચી રહ્યા છે. પોતાની જગ્યા હોય તે કારખાના બંધ કરીને તેજી આવવાની રાહ જોઈ રહ્યા છે. – અરવિંદભાઈ રાખસિયા, સ્ક્રેપ વેપારી