એક વર્ષથી સતત રજૂઆત છતાં સ્થાનિક તંત્ર દુર્ઘટનાની રાહમાં બેઠું છે?
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.9
રાજ્ય અને રાજ્ય બહાર અનેક એવી આગની દુર્ઘટના ઘટી છે જેમાં સરકારને પરસેવો વળી ગયો છે પરંતુ હજુય એવી કેટલીય ઈમારતો ધમધમે છે જ્યાં કોઈપણ સમયે દુર્ઘટના ઘટે તો અનેક લોકોની જિંદગીનો દીવો બુઝાઈ જાય તેમ છે રાજ્યમાં આવા અગ્નિ કાંડ જેવા બનાવો બને ત્યારે સરકાર સંવેદનશીલ થઈને કડક સૂચનાઓ આપે છે પરંતુ શું આ સૂચનાનું પાલન સરકારી તંત્ર કરે છે ખરા ? તેનું ઉત્તમ ઉદાહરણ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં આજેય નજરે પડે છે. ધ્રાંગધ્રા શહેરની ડોકટર હાઉસ ખાનગી હોસ્પિટલની ઇમારત નિયમન થયાને લગભગ પાંચેક દાયકાથી પણ વધુ સમય થઈ ચૂક્યો હશે જેથી આ બિલ્ડિંગ જર્જરીત તો છે સાથે જ હોસ્પિટલ ચાલતી આ ઇમારતમાં આજદિન સુધી બી.યુ પરમિશન પણ નથી. ડોકટર હાઉસની ઇમારત છેલ્લા કેટલાય વર્ષોથી તબીબ દંપતી દ્વારા ભાડાપટ્ટે રાખી ખાનગી હોસ્પિટલ ચલાવી રહ્યા છે. આ ખાનગી હોસ્પિટલ ચાલતા ઈમારતને ત્રણ માલ અને છતાં પર ગેરકાયદેસર સેડ ઉભો કરાયો છે.
- Advertisement -
જે અંગે એકાદ વર્ષ પૂર્વે નગરપાલિકાને લેખિત જાણ કરતા નગરપાલિકાએ નોટિસ આપી હતી છતાં આજદિન સુધી સેડ યથાવત જોવા મળે છે. આ સાથે બી.યુ પરમિશન વગર ચાલતી હોસ્પિટલની કેટલોક ભાગ જર્જરિત હોવાથી બાજુના રોડ પર પડેલી કાર પર સ્લેબનો થોડો હિસ્સો પટકાતા કારણે મોટું નુકશાન પણ થયું હતું જોકે સદનસીબે અહીં કાર હતી પરંતુ જો કોઈ વ્યક્તિ અહીં હાજર હોત તો શું થાત તેની કલ્પના જ કરવી રહી ! ત્યારે નગરપાલિકા દ્વારા આ મોતના માંચડા માફકની ખાનગી હોસ્પિટલને લગભગ ત્રણેક વખત નોટિસ આપી ગત સપ્ટેમ્બરમાં આખરી નોટીસમાં હોસ્પિટલની સીલ કરવા અંગેનો ઉલ્લેખ કર્યો હતો પરંતુ હોસ્પિટલ સંચાલક દ્વારા પોતે ભાડુઆત હોવા છતાં તંત્રને ગેરમાર્ગે દોરવા ઇમ્પેક્ટ ફાઇલ મુજબ અરજી દાખલ કરી હતી જોકે ઇમ્પેક્ટ કાયદા મુજબ કોઈપણ અરજીની મર્યાદા માત્ર છ મહિનાની જ હોય છે પરંતુ આ અરજીને આઠેક મહિના જેટલો સમય લાગ્યો હોવા છતાં તંત્ર હાથ પર હાથ ધરીને બેઠું છે અને ખાનગી હોસ્પિટલ સાથે ધમધમતો મોતના મચડાને નજર અંદાજ કરી કોઈ મોટી દુર્ઘટના થાય તેનો રાહમાં તંત્ર બેઠું હોય તેવું અહી નજરે પડે છે.



