ધૈર્યરાજસિંહના ઇન્જેકશન માટે ગુજરાતમાં સ્વયંભૂ લોકઅભિયાન ચાલ્યું હતું, જેના કારણે જરૂરી એવી રૂ. 16 કરોડથી વધુની રકમ એકઠી થઈ હતી
જવલ્લેજ જોવા મળતી બીમારીથી પીડાતા ગુજરાતી બાળક ધૈર્યરાજસિંહ રાઠોડની સારવાર આડેનું વધુ એક વિઘ્ન મંગળવારે દૂર થયું. તેમને 16 કરોડ રૂપિયાનું ઇન્જેક્શન મળી ગયું છે.
- Advertisement -
ધૈર્યરાજ સિંહને ઇન્જેક્શન મળી ગયું છે અને તેમને બુધવારે બપોરે આ ઇન્જેક્શન આપવામાં આવ્યું છે.
ધૈર્યરાજસિંહને મંગળવારે મુંબઈની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ઇન્જેક્શન આપ્યા બાદ આગામી સારવાર હાથ ધરાઈ છે.
અગાઉ કેન્દ્ર સરકારે સારવાર માટે જરૂરી ઇન્જેક્શન ઉપરની ઇમ્પૉર્ટ ડ્યૂટી માફ કરવાની જાહેરાત કરી હતી.
- Advertisement -
ધૈર્યરાજસિંહની સારવાર માટે લવાયેલાં 16 કરોડનાં ઇન્જેક્શન
કેન્દ્ર સરકારમાં બંદર અને વહાણવટા પ્રધાન મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને ડ્યૂટીમાફી વિશે માહિતી આપી હતી.
ધૈર્યરાજસિંહના ઇન્જેકશન માટે જરૂરી ભંડોળ એકઠું કરવા ગુજરાતમાં સ્વયંભૂ લોકઅભિયાન ચાલ્યું હતું, જેના કારણે જરૂરી એવી રૂ. 16 કરોડથી વધુની રકમ એકઠી થઈ હતી.
કેન્દ્ર સરકારે ગત સપ્તાહે નેશનલ રૅર ડિસીઝ પૉલિસીની જાહેરાત કરી છે, જેમાં જ્વલ્લેજ થતી બીમારી અને તેની સારવાર કેવી રીતે કરવી તથા તે દિશામાં શું કરવું તેના વિશેની રૂપરેખા રજૂ કરવામાં આવી છે.
જાણકારો આ નીતિને આવકારે છે, પરંતુ હજુ આ દિશામાં ઘણું કરવાની જરૂર હોવાની વાત કહે છે.
ડ્યૂટી માફ થઈ અને…
કેન્દ્ર સરકારમાં બંદર અને વહાણવટા ખાતાનો સ્વતંત્ર પ્રભાર ધરાવતા કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને જણાવ્યું:
“કુમાર ધૈર્યરાજસિંહના ઇલાજને સફળ બનાવવા ભારત સરકાર દ્વારા રૂપિયા છ કરોડની આયાતડ્યૂટી માફ કરવામાં આવી છે.”
“કુમાર ધૈર્યરાજસિંહને ઉત્તમ સારવાર અને ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ તથા મારી ભલામણ સ્વીકારવા બદલ નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણજીનો ખૂબખૂબ આભાર.”
આ ટ્વીટ મહીસાગર જિલ્લાના કાનેસર ગામના વતની રાજદીપસિંહ રાઠોડ માટે રાહતના સમાચાર લઈને આવ્યું.
રૂ. 16 કરોડના ઇન્જેકશન ઉપર લગભગ પાંચથી છ કરોડ રૂપિયાની આયાતજકાત લાગી હોત, જેને માફ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.
શું છે ધૈર્યરાજસિંહની બીમારી?
પીડિયાટ્રિક ન્યૂરૉલૉજિસ્ટ ડૉ. ઍન ઍન્જિગ મૅથ્યૂના કહેવા પ્રમાણે, “ચેતાતંત્ર તથા ચેતાકોષો દ્વારા મગજના સિગ્નલ સ્નાયુઓ સુધી પહોંચે છે. આ સિગ્નલ મોકલવા માટે જે પ્રોટિનની જરૂર પડે છે, તેનું જનની કોડિંગ થયેલું હોય છે.”
“દરેક વ્યક્તિમાં તે માતા-પિતાના જનીનોમાંથી ઊતરી આવે છે. જો માતા-પિતાના જનીનમાં ઊણપ હોય તો જ બાળકને આ બીમારી થાય છે. સમયસર તેની સારવાર કરવામાં ન આવે તો તે જીવલેણ નીવડી શકે છે.”
“ચેતાકોષોમાં ખામીને કારણે થતા આ રોગને SMA (સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રૉફી) તરીકે ઓળખવામાં આવે છે.”
આ બીમારીને કારણે બાળકની ડોક સીધી નથી રહેતી. તે બરાબર બેસી નથી શકતું અને પ્રવાહી લેવામાં મુશ્કેલી પડે છે. આ બીમારી ગંભીર સ્વરૂપ ધારણ કરે તો બાળકને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી શકે છે.