રોહિત, કોહલી, હાર્દિક સહિતના ખેલાડીઓ આફ્રિકા સામે વન-ડે શ્રેણીમાં રમતાં જોવા મળે તેવી શક્યતા ઓછી
ભારત-આફ્રિકા વચ્ચે વન-ડે શ્રેણીમાં શિખર ધવન ભારતીય ટીમનો કેપ્ટન બની શકે છે. બીસીસીઆઈના સૂત્રો પાસેથી મળી રહેલી જાણકારી પ્રમાણે વન-ડે શ્રેણીમાં ટીમ ઈન્ડિયાના એ તમામ ખેલાડીઓને આરામ આપવામાં આવશે જે ઑસ્ટ્રેલિયામાં રમાનારા ટી-20 વર્લ્ડકપની ટીમમાં સામેલ હશે. આવામાં રોહિત શર્મા સહિત વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા જેવા ખેલાડીઓ વન-ડે શ્રેણીમાં રમતાં જોવા મળી શકશે નહીં.
- Advertisement -
આ સ્થિતિમાં શિખર ધવનને કેપ્ટનશિપ મળવાનું નક્કી છે. આ ઉપરાંત વીવીએસ લક્ષ્મણને આ શ્રેણીમાં ભારતના કોચ બનાવવામાં આવી શકે છે. લક્ષ્મણ આ પહેલાં પણ જરૂર પડવા પર ભારતીય ટીમના કોચ બની ચૂક્યા છે.
ટી-20 વર્લ્ડકપની આઠમી સીઝન આ વર્ષે 16 ઑક્ટોબરથી 13 નવેમ્બર સુધી ઑસ્ટ્રેલિયામાં રમાવાની છે. આ પહેલાં ભારત 28 સપ્ટેમ્બરથી આફ્રિકા વિરુદ્ધ ત્રણ ટી-20 અને ત્રણ વન-ડે મેચ રમશે. પહેલી ટી-20 મેચ 28 સપ્ટેમ્બરે તિરુવનંતપુરમમાં રમાશે. બીજી મેચ બે ઑક્ટોબરે ગૌહાટી તેમજ ત્રીજી ટી-20 ચાર ઑક્ટોબરે ઈન્દોરમાં રમાશે.
છ ઑક્ટોબરથી લખનૌમાં વન-ડે શ્રેણીની શરૂઆત થશે. આ શ્રેણીમાં શિખર ધવન ભારતનો કેપ્ટન હશે. વન-ડે શ્રેણીની બીજી મેચ નવ ઑક્ટોબરે રાંચી અને ત્રીજી મેચ 11 ઑક્ટોબરે દિલ્હીમાં રમાશે.
- Advertisement -
શિખર ધવન આ પહેલાં પણ અનેકવાર ભારતીય ટીમની કમાન સંભાળી ચૂક્યો છે. પાછલા વર્ષે શ્રીલંકા વિરુદ્ધ શ્રેણીમાં તેને વન-ડે અને ટી-20ની કમાન સોંપવામાં આવી હતી. ત્યારબાદ વિન્ડિઝ વિરુદ્ધ વન-ડે શ્રેણીમાં પણ ધવને પોતાની આગેવાનીમાં શાનદાર જીત અપાવી હતી. ઝીમ્બાબ્વે વિરુદ્ધ વન-ડે શ્રેણીમાં પણ તેને ભારતનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો પરંતુ ત્યારબાદ લોકેશ રાહુલ ફિટ થઈ જતાં ધવનની જગ્યાએ રાહુલને ટીમની કમાન સોંપાઈ હતી.