વારસદારને જ નોકરી સહિત નવા નિયમોને હટાવવા માગ
રાજકોટમાં સફાઈ કામદારોની ભરતીમાં નવા નિયમોને લઈને છેલ્લા ઘણા સમયથી ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં નિયમોમાં બદલાવ નહીં કરવામાં આવતા વાલ્મિકી સમાજના 10 જેટલા આગેવાનો દ્વારા છેલ્લા 16 દિવસથી સફાઈ કામદારો દ્વારા હોસ્પિટલ ચોક ખાતે ધરણા કરવામાં આવી રહ્યા છે. દરમિયાન અમુક આગેવાનોની તબિયત લથડતા તેને હોસ્પિટલમાં ખસેડાયા છે. હાલ માત્ર કામદાર યુનિયનનાં પ્રમુખ પારસ બેડીયા દ્વારા ધરણા ચાલુ રાખવામાં આવ્યા છે. તેમજ પોતાની માંગ નહીં સંતોષાય ત્યાં સુધી માત્ર લિકવિડ પર રહેવાનો દાવો કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગત મુજબ, સફાઈ કામદારોની ભરતીમાં નવા નિયમોને લઈને છેલ્લા ઘણા સમયથી ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે વાલ્મિકી સમાજના 10 જેટલા આગેવાનો દ્વારા છેલ્લા 16 દિવસથી હોસ્પિટલ ચોક ખાતે ધરણા કરવામાં આવી રહ્યા છે. જેમાં સમયાંતરે 4 કરતા વધુ આગેવાનોની તબિયત નરમ પડતા તમામને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમજ આ અંગે અગાઉ મ્યુ. કમિશ્નર તેમજ કલેક્ટર કચેરીએ રજૂઆતો પણ કરવામાં આવી હતી. આમ છતાં તંત્ર દ્વારા કોઈપણ પ્રકારનો બદલાવ નિયમોમાં નહીં કરવામાં આવતા ધરણા યથાવત રાખવામાં આવ્યા છે.
કામદાર યુનિયનનાં પ્રમુખ પારસ બેડીયાએ આ અંગે જણાવ્યું હતું કે, સફાઈ કામદારોની ભરતીમાં બંધારણ વિરુદ્ધ વારસદારનો નિયમ રાખવામાં આવ્યો છે. જેમાં જે વ્યક્તિનાં દાદા-દાદી કે માતા-પિતા અગાઉ નોકરી કરી ચુક્યા હોય તેને જ નોકરી આપવામાં આવી રહી છે. ગુજરાતમાં માત્ર રાજકોટમાં મનસ્વી રીતે મુકેલા નિયમને હટાવવા અગાઉ અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે. આમ છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા અમે ધરણા પર બેઠા છીએ. જેમાં અત્યાર સુધી અમુક આગેવાનોની તબિયત લથડતા તેને હોસ્પિટલમાં ખસેડાયા છે. જોકે હજુ પણ તેઓ માત્ર લિકવિડ ઉપર રહી ઉપવાસ કરી રહ્યા છે અને જ્યાં સુધી માગ નહીં સંતોષાય ત્યાં સુધી સફાઈ કામદારોની ભરતીમાં મુકેલ બંધારણ વિરુદ્ધનાં વારસદારોનાં નિયમને હટાવવા માટે લડાઈ ચાલુ રહેશે.