છેલ્લા એક મહિનામાં સોનાંમાં 9% ની ધરખમ તેજી: ચમક આગળ પણ યથાવત રહેશે: પ્રતિ 10 ગ્રામે ભાવ 70 હજાર રૂપિયા થવાની શકયતા
ખાસ-ખબર સંવાદદાતા
આ ધનતેરસે સોનાની ખરીદી મોટો નફો આપી શકે છે. બજાર વિશેષજ્ઞમાં અનુસાર છેલ્લા એક મહિનામાં સોનાની કિંમતમાં લગભગ 9 ટકાનો વધારો થયો છે અને તે આગળ પણ યથાવત રહી શકે છે. ગત વર્ષની ધનતેરસની તુલના કરીએ તો સોનાએ 22 ટકા જેટલું રિટર્ન આપ્યું છે. ગત વર્ષે ધનતેરસ પર સોનાની કિંમત 50 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. હાલ ઘરેલુ બજારમાં સોનુ 61 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયું છે.
ઈઝરાયેલ-હમાસ યુદ્ધ પહેલા મલ્ટી કોમોડીટી એકસચેંજ પર સોનાનો ભાવ પાંચ ઓકટોબરે 56,075 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નીચે પહોંચી ગયો હતો, જો કે ત્યારબાદ સોનામાં શાનદાર તેજી આવી અને 31 ઓકટોબરે 61,539 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો. 6 મે ના એમસીએકસ પર સોનાની કિંમત 61845 રૂપિયા પ્રતિ 10 ગ્રામના પોતાના 22 મહિનાના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગઈ હતી. જયારે આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાએ 13 મહિનાનો રેકોર્ડ સ્તર સ્પર્શી લીધો છે.
70 હજાર સુધી સોનાના ભાવ પહોંચવાના એંધાણ: જાણકારોના જણાવ્યા મુજબ ઈઝરાયેલ-હમાસ વચ્ચે ચાલુ સૈન્ય સંઘર્ષને ધ્યાનમાં રાખી સુરક્ષિત વિકલ્પ તરીકે સોનાની માંગમાં તેજી આવી છે આટલું જ નહીં, દુનિયાભરમાં બેન્કીંગ વ્યવસ્થાની તંગ હાલતથી શરાફ બજારમાં જબરદસ્ત પ્રતિક્રિયાઓ જોવા મળે છે. જાણકારોના અનુસાર વર્ષ 2024ના અંત સુધીમાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનુ 2400 ડોલર પ્રતિ ઔંસ જયારે ઘરેલુ બજારમાં 70 હજાર રૂપિયા પ્રતિ 100 ગ્રામ સુધી ઉપર જઈ શકે છે.
એચડીએફસી સિકયોરિટીઝના કોમોડીટી અને કરન્સી વિભાગના પ્રમુખ અનુજ ગુપ્તાએ જણાવ્યું હતું કે આવનારા સમયમાં સોનુ સારો દેખાવ કરી શકે છે. કારણ કે એ વાતની સંભાવના છે કે અમેરિકી ફેડરલ રિઝર્વ હવે આગળ વ્યાજના દરોમાં વધારાથી બચી શકે છે. આ સિવાય અમેરિકી અર્થવ્યવસ્થા અને ત્યાં મોંઘવારી દરને લઈને જે હાલત બની રહી છે, તેથી અમેરિકી કેન્દ્રીય બેન્કે સમય પહેલા જ વ્યાજ દરોમાં કપાત કરવી પડી શકે છે. જો આમ થાય તો સોનાની કિંમતમાં તેજીનો દોર શરુ થઈ શકે છે.
ધનતેરસથી ધનતેરસ: સોનામાં 22% કમાણી



