શ્રાવણ માસ અને ભાદરવી અમાસ પૂર્વે જ પ્રતિબંધ જારી કરાતાં ભક્તોમાં નારાજગી
ડૂબી જવાની ઘટનાઓ અટકાવવા તંત્રએ જાહેરનામુ બહાર પાડયું
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.5
જૂનાગઢ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કે. બી. પટેલ દ્વારા લોકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ, જિલ્લાના 37 જેટલા નદી, તળાવ, ડેમ અને જળાશયોમાં કોઈપણ વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધ તાત્કાલિક અસરથી 5 ઓગસ્ટ, 2025 થી 3 ઓક્ટોબર, 2025 સુધી અમલમાં રહેશે. આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ પાણીમાં ડૂબી જવાથી થતાં અકસ્માતો અને મૃત્યુની ઘટનાઓને અટકાવવાનો છે. પવિત્ર શ્રાવણ માસ અને ભાદરવી અમાસનું મહત્વ: એક તરફ, હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, જે દરમિયાન શ્રદ્ધાળુઓ શિવલિંગ પર જળાભિષેક કરવા અને ધાર્મિક વિધિઓ માટે નદી-તળાવો પર મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે.
- Advertisement -
બીજી તરફ, આગામી દિવસોમાં ભાદરવી અમાસ પણ આવી રહી છે, જે પિતૃકાર્ય અને પવિત્ર સ્નાન માટે ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય છે. આવા પવિત્ર દિવસોમાં શ્રદ્ધાપૂર્વક સ્નાન કરવાનું અનેરું મહત્વ હોવાથી આ જાહેરનામું બહાર પડતાં ભાવિકોમાં કચવાટ ઊભો થયો છે. ખાસ કરીને, દામોદર કુંડ, નારાયણ ધરા અને જટાશંકર જંગલ વિસ્તાર જેવા શ્રદ્ધાના કેન્દ્રોનો સમાવેશ થવાથી લોકોમાં નારાજગી પ્રવર્તી રહી છે, કારણ કે આ સ્થળોએ પિતૃકાર્ય અને તર્પણ જેવી વિધિઓ માટે હજારો શ્રદ્ધાળુઓ આવતા હોય છે. 60 દિવસ સુધી આ સ્થળો પર પ્રતિબંધ લાગુ થવાથી ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી હોવાનો લોકોમાં મત પ્રવર્તી રહ્યો છે. જૂનાગઢ જિલ્લાના જુદા જુદા જળાશયો, નદી, તળાવ, નહેર અને દરિયામાં નહાવા પડેલ વ્યક્તિઓના ડૂબી જવાથી મરણ થવાની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે. આ બાબત અત્યંત ગંભીર છે. પરંતુ ઘણીવાર પાણીની ઊંડાઈનો અંદાજ ન હોવાથી, અચાનક આવતા પ્રવાહથી, અથવા અન્ય કોઈ કારણોસર અકસ્માતનો ભોગ બને છે. આવી કોઈ પણ પ્રકારની આકસ્મિક અને ગંભીર ઘટનાઓ બનતી અટકાવવા માટે આ પગલું જરૂરી બન્યું હતું. લોકોને પાણીના પ્રવાહ, ઊંડાણ અને સુરક્ષાના જોખમોથી બચાવવા માટે આ જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.
જાહેરનામામાં સમાવિષ્ટ મુખ્ય 37 સ્થળોની યાદી
શહેર: વીલીંગ્ડન ડેમ, વાઘેશ્વરી તળાવ ગણેશનગર, કાળવા નદી, સોનરખ નદી, નરસિંહ મહેતા તળાવ, દામોદર કુંડ, નારાયણ ધરા, જટાશંકર જંગલ વિસ્તાર, બાદલપુર ડેમ, હસ્નાપુર ડેમ, ઓઝત નદી બંધ, ભેંસાણના ઉબેણ ડેમ, ઓજત નદી પર ગુજરીયા ડેમ, સોનરખ નદી પર પસવાળા ડેમ, મેંદરડા મધુવંતી નદી, વિસાવદરનો અંબાજળ ડેમ (સતાધાર), ધા્ફડ ડેમ (સરસઈ), ઝાંઝેશ્રી ડેમ, મહુડા મહુડી ડેમ, કેશોદમાં ઓઝત નદી, ટીલોળી નદી, નોળી નદી, શાબરી/મધુવતી નદી, વંથલીનો શાપુર ઓઝત, ખોરાસા ડેમ, માણાવદરમાં બાંટવા ખારો ડેમ, ભાદર નદી (વેકરી ગામ), ઓઝત નદી (આંબલીયા ગામ), ભાદર નદી (સરાડીયા ગામ), ઓઝત નદી (કોયલાણા ગામ, મટીયાણા ગામ), કામનાથ મંદિર પાસે આવેલ નોળી નદી અને માળીયાહાટીનામાં ભાખરવડ ડેમ, કાળેશ્વર ડેમ, મેઘલપુલ, વડીયા ગામ કોઝવે, કાત્રાસા ગામ કોઝવે, મેઘલ નદી (સમઢીયાળા ગામ પાસે આવેલ ચેકડેમ)નો સમાવેશ આ તમામ સ્થળોએ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તંત્રએ લોકોને આ નિયમોનું પાલન કરીને પોતાની અને અન્યની સલામતી જાળવવા માટે અપીલ કરી છે.