જૂનાગઢ ગિરનાર પર 5 ઇંચ ખાબકતા દામોદર કુંડ, કાળવો બે કાંઠે
2 ઇંચ વરસાદે નરસિંહ સરોવર ફરી ઓવરફલો થયું
જિલ્લામાં અડધાથી 2 ઇંચ, અવિરત મેઘસવારી યથાવત
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.23
જૂનાગઢમાં આજે ગિરનાર પર 5 ઇંચ જેટલો વરસાદ વરસતા પર્વત ઉપરથી ભારે ઘસમસતુ પાણી દામોદર કુંડમાં આવતા ભાવિકો માટે આજ સવારાથી પ્રવેશબંધ કરાયો હતો પણ હવે જયારે વરસાદનું જોર ઘટતા દામોદર કુંડમાં પાણીનો પ્રવાહ ઘટતા જિલ્લા કલેક્ટરે મુલાકાત લીધી હતી અને ભાવિકોને પીપળે પાણી રેડવા અને પિતૃ કાર્ય કરવાની છૂટ આપી હતી. જૂનાગઢ જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી થઈ રહેલા ભારે વરસાદે તારાજી સર્જી છે. બે દિવસ પહેલા મેંદરડામાં 13 ઇંચ જેટલો અસાધારણ વરસાદ નોંધાતા ગામોમાં પૂરની સ્થિતિ ઊભી થઈ હતી. આ સાથે જ વંથલી, કેશોદ અને માણાવદરમાં પણ 8 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો, જેના પરિણામે સમગ્ર ઘેડ પંથક જળબંબાકાર બન્યો છે. નદીઓ ગાંડીતૂર બનીને વહેતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અને જમીનનું ધોવાણ થયું છે. ખેડૂતોને ભારે નુકસાન થયું છે, ખાસ કરીને મગફળી જેવા પાકોને મોટો ફટકો પડ્યો છે. ખેડૂતોની આશા પર પાણી ફરી વળતા તેઓ ચિંતામાં મુકાયા છે. જૂનાગઢ અને આસપાસના વિસ્તારોમાં વરસાદનું જોર હજુ પણ યથાવત છે. આજે સવારે માત્ર બે કલાકમાં જૂનાગઢ શહેરમાં 2 ઇંચ વરસાદ પડ્યો હતો, જેના કારણે શહેરના મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા અને વાહનવ્યવહાર ધીમો પડ્યો હતો. આ સિવાય, જિલ્લાના અન્ય તાલુકાઓ જેવા કે વંથલીમાં 2 ઇંચ, ભેસાણમાં 2 ઇંચ, અને માણાવદર તથા વિસાવદરમાં અડધો-અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. અન્ય તાલુકાઓમાં પણ સારો વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને જોરદાર વરસાદી ઝાપટા પડ્યા હતા. આ વરસાદ ભલે રાહત લાવતો હોય, પરંતુ સતત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. ગિરનાર પર્વત પર પડેલા ધોધમાર 5 ઇંચથી વધુ વરસાદને કારણે દામોદર કુંડ અને કાળવા નદીમાં પૂર આવ્યું છે. નદીઓ બેકાંઠે વહેવા લાગતા આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. દામોદર કુંડમાં પાણીનું સ્તર અસાધારણ રીતે વધ્યું છે, જે ભાદરવા મહિનામાં પિતૃકાર્ય માટે આવતા શ્રદ્ધાળુઓ માટે જોખમી બની શકે છે.
આ પરિસ્થિતિને ધ્યાને લઈ વહીવટી તંત્ર સક્રિય બન્યું છે. ભાદરવા મહિનાના પ્રારંભ સાથે જ દામોદર કુંડ ખાતે પિતૃકાર્ય અને દર્શનાર્થે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. પરંતુ, ઉપરવાસમાં ભારે વરસાદ અને દામોદર કુંડમાં આવેલા પૂરને કારણે તંત્ર દ્વારા ભાવિકોની સુરક્ષા માટે કડક પગલાં લેવામાં આવ્યા છે. દામોદર કુંડ ખાતે પીપળે પાણી રેડવા કે અન્ય પિતૃકાર્ય કરવા આવતા ભાવિકોને પાણીનું સ્તર ન ઘટે ત્યાં સુધી કુંડમાં પ્રવેશ કરવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. આ માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત, યાત્રાળુઓની સલામતી માટે વિલિંગડન ડેમ અને જટાશંકર વિસ્તારમાં પણ પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી પ્રવેશ પર રોક લગાવવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા ડિઝાસ્ટર શાખા અને જિલ્લા કલેક્ટર દ્વારા સતત પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. કલેક્ટરની સૂચના મુજબ, દામોદર કુંડ, વિલિંગડન ડેમ અને જટાશંકર ખાતે પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી કોઈપણ નાગરિક કે શ્રદ્ધાળુને પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં. આ તમામ પ્રતિબંધો જનહિતમાં જારી કરવામાં આવ્યા છે અને નાગરિકોને આ સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. વહીવટી તંત્ર પૂરતા પગલાં લઈ રહ્યું છે જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને તમામ લોકોની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે.