ભગવાન શિવનાં આશીર્વાદ મેળવવા માટે રાજકોટથી મોટી સંખ્યામાં લોકો જતા હોય છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.26
આગામી 29 જુનથી અમરનાથ યાત્રાનો પ્રારંભ કરવામાં આવનાર છે. જેને લઈને સરકાર દ્વારા અગાઉ નોંધણી કરવામાં આવી ચૂકી છે. ત્યારે આજે અમરનાથ યાત્રાની સૌપ્રથમ ટ્રેન રાજકોટ રેલવે સ્ટેશનથી રવાના થઈ હતી. જેમાં મોટી સંખ્યામાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રનાં ભક્તો બાબા બરફાનીનાં દર્શને જવા રવાના થયા હતા.વર્ષોથી યાત્રા કરનારા ભક્તોએ મિડિયાને જણાવ્યું હતું કે, બર્ફાની બાબાનાં દર્શન કરવાથી અદ્દભુત શાંતિ મળે છે. અને ત્યાં બોર્ડ દ્વારા ખૂબ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હોવાથી કોઈ મુશ્ર્કેલી થતી નથી.
- Advertisement -
19 વર્ષથી અમરનાથ યાત્રા કરતા જયંત ટાંકે મિડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, દર વર્ષે અમરનાથ યાત્રા દ્વારા ભગવાન શિવનાં આશીર્વાદ મેળવવા માટે રાજકોટથી મોટી સંખ્યામાં લોકો જતા હોય છે. મારી પણ આ 19મી યાત્રા છે. દરવર્ષે અમારો ત્યાં ભંડારો પણ ઓમ શિવશક્તિ -દિલ્હી તરફથી 25 વર્ષથી કાર્યરત છે. જેમાં દરરોજના 2000 જેટલા લોકો માટે રહેવા-જમવા તેમજ મેડિકલ સહિતની તમામ સેવા આપવામાં આવે છે. પહેલગામ તથા બાલતાલ રૂૂટથી આ યાત્રા કરવામાં આવે છે. ભોળાનાથ, અમરનાથ, બરફાની બાબા ભૂખે કો અન્ન પ્યાસે કો પાની આપે છે. અમરનાથ યાત્રા કરનારા ભક્તોને અદ્ભૂત અનુભવ થતો હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો.
રમેશ મૈયડ નામના અન્ય એક યાત્રાળુએ જણાવ્યું હતું કે, મહાદેવની કૃપાથી આજે જમ્મુતાવી એક્સપ્રેસમાં અમે અમરનાથ યાત્રા કરવા નીકળ્યા છીએ. છેલ્લા 13 વર્ષથી હું યાત્રા કરવા જાઉં છું. ત્યાં અમરનાથ સાઈન બોર્ડ દ્વારા ખૂબ સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે. જેને લઈને યાત્રા દરમિયાન કોઈ મુશ્ર્કેલી થતી નથી. સામાન્ય રીતે ત્યાં ખૂબ સારો માહોલ હોય છે. ક્યારેક વાતાવરણ બગડે છે, પરંતુ આર્મીનાં લોકો દ્વારા દરેક સંજોગોમાં ખૂબ સારી મદદ મળી રહે છે. જેના કારણે કોઈ મુશ્ર્કેલી થતી નથી. વર્ષો પહેલા યાત્રાળુઓ પર પથ્થરમારા જેવા બનાવો બનતા હતા. પરંતુ છેલ્લા 7-8 વર્ષથી કોઈપણ આવો બનાવ બન્યો નથી અને મહાદેવની કૃપાથી બધાને ખૂબ સારા દર્શન પણ થાય છે.
અમરનાથ યાત્રા દરમિયાન કઈ બાબતોનું ધ્યાન રાખવું
ઉલ્લેખનીય છે કે, યાત્રા દરમિયાન મેડિકલ સર્ટિફિકેટ, 4 પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ, આધાર કાર્ડ, RFID કાર્ડ, ટ્રાવેલ એપ્લિકેશન ફોર્મ સાથે રાખવું જરૂરી છે. તો શારીરિક તંદુરસ્તીની દૃષ્ટિએ, દરરોજ 4 થી 5 કિલોમીટર ચાલવાની પ્રેક્ટિસ, પ્રાણાયામ અને કસરત જેવા શ્ર્વાસ યોગ અગાઉથી જ કરવા જોઈએ. મુસાફરી દરમિયાન વૂલન કપડાં, રેઈનકોટ, ટ્રેકિંગ સ્ટીક્સ, પાણીની બોટલ અને જરૂૂરી દવાઓની થેલી સાથે રાખવી પણ હિતાવહ હોવાનું વારંવાર યાત્રા કરતા લોકોએ જણાવ્યું હતું.