8 ગામોને સમાવિષ્ટ કરવામાં આવ્યા : 97.32 કરોડના વિકાસકાર્યોને સરકારની મંજૂરી
ખાસ-ખબર સંવાદદાતા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યાત્રાધામ અંબાજીની સુવિધાનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. યાત્રાધામ અંબાજીની એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના પાણી પુરવઠા સહિતના 97.32 કરોડ રૂપિયાના જન હિતલક્ષી કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. અંબાજી વિસ્તાર વિકાસ અને યાત્રાધામ પ્રવાસન નિયમન સત્તામંડળમાં બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના અંબાજી, ઝરીવાવ, ચીખલા, જેતવાસ, પાન્છા, રીંછડી, કોટેશ્વર અને કુંભારિયા મળીને 8 ગામો સમાવિષ્ટ છે. અંબાજી એરીયા ડેવલોપમેન્ટ એન્ડ પિલગ્રીમેજ ટુરીઝમ રેગ્યુલેટરી ઓથોરિટી દ્વારા પાણી પુરવઠા, ભૂગર્ભ ગટર અને ઘનકચરા નિકાલની કામગીરી માટે તૈયાર કરાયેલા ડીટેઇલ્ડ રિપોર્ટને ઓથોરિટીની બોર્ડ બેઠકે મંજૂરી આપીને રાજ્ય સરકાર સમક્ષ રજૂ કર્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં પાણી પુરવઠા, અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટના સમગ્રતયા રૂ. 97.32 કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. અંબાજીમાં ઉત્તરોત્તર થઈ રહેલા યાત્રિક સુવિધાના વિકાસ કામો તથા પ્રવાસન આકર્ષણોને પરિણામે આ યાત્રાધામમાં દેશ-વિદેશના પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવતા રહે છે. અંબાજી અને આસપાસના ગામોમાં હવે આ નવા વિકાસ કામો હાથ ધરાવાને પરિણામે સ્વચ્છતા જળવાશે અને યાત્રી સુવિધા સુખાકારીમાં પણ વૃદ્ધિ થશે. યાત્રાધામ અંબાજીમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણયથી વિકાસની રફ્તારને નવો વેગ મળશે. કારણ કે આ યાત્રાધામ ઉત્તર ગુજરાતના સૌથી પ્રમુખ યાત્રાધામો પૈકીનું એક છે અને અહીં લાખોની સંખ્યામાં માઈભક્તોની અવરજવર રહેતી હોય છે. આસપાસના રાજ્યોમાંથી પણ ઘણાં લોકો માતાના ચરણોમાં શિશ નમાવવા માટે અચૂક આવતા હોય છે. જેને લઈને આ યાત્રાધામ ગુજરાતનું એક પ્રમુખ પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસે એવી પૂરી સંભાવનાઓ છે. જેને લઈને હાલમાં સરકાર દ્વારા પણ ઘણાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના પાણી પુરવઠા સહિતના 97.32 કરોડ રૂપિયાના જન હિતલક્ષી કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે તેનાથી આ ક્ષેત્રના વિકાસને નવું બળ મળશે એ ચોક્કસ છે.