જાહેર રોડ પર ડીવાઈડર અને લોખંડની ગ્રિલ નાખતા જ અકસ્માતોમાં વધારો થયો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.6
ધ્રાંગધ્રા નગરપાલિકાનો અણઘડ વહીવટી શાસનનું વધુ એક ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે જેમાં ધ્રાંગધ્રા શહેરના ગુરુકુળ ગેઇટથી આંબેડકરનગર સર્કલ સુધીના રોડ પર વચોવચ ડીવાઈડર બનાવી લોખંડની ગ્રિલ નાખવાનું કામ શરૂ કર્યું હતું. આ કામ ગુરુકુળ ખાતે હળવદ રોડ પર શરૂ થયું ત્યારથી જ અકસ્માતોની વણઝાર શરૂ થઈ હતી જે બાદ હવે રોકડિયા સર્કલથી ઘાટ દરવાજા સુધી રોડ પર ડીવાઈડર અને લોખંડની ગ્રિલ નાખવાનું કામ શરૂ કરતા રોડ સાંકળો બની ગયો છે. જેના લીધે ટ્રાફિક જામ તો થાય છે પરંતુ સાથે જ હજુ ત્રણેક દિવસ થયા આ કામ પૂર્ણ થયું અને રોકડિયા સર્કલથી ઘાટ દરવાજા સુધી વચોવચ નાખેલી લોખંડની ગ્રિલ સાથે પાંચથી પણ વધુ રાહદારીઓની કરણ અકસ્માત થવાના બનાવો સામે આવ્યા છે. આ તરફ પાલિકા તંત્ર વિકાસ કરવાના બણગા ફૂકી રહી છે પરંતુ ખરેખર નગરપાલિકાના અધિકારીઓ, પદાધિકારીઓના વિકાસ સામે રાહદારીઓ જીવનું શું ? તેવો પ્રશ્ન પણ ઉદભવી રહ્યો છે. પાલિકા દ્વારા જે પ્રકારે કોઈ જાણ્યા જોતા વગર અણઘડ રીતે સાંકળો રોડ હોવા છતાં વચોવચ ડીવાઈડર અને લોખંડની ગ્રિલ નાખી દીધી છે તેના સામે હવે અનેક રાહદારીઓનાં વાહનો સાથે સતત અકસ્માત થવાની શક્યતા પણ વધી ચૂકી છે. ત્યારે પાલિકામાં શાસન કરતા બુદ્ધિજીવીઓ કોઈ કાર્યવાહી કરે તેવી પણ સ્થાનિક રાહદારીઓ માંગ ઉઠાવી રહ્યા છે.



