જાહેરમાં ગંદકી ભર્યું પાણી કાઢવાના લીધે પાલિકા નોટિસ આપીને ભૂલી ગઈ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.12
ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા સ્વચ્છતાના નામે થતાં કાર્યક્રમો માત્ર દેખાવ પૂરતા હોય તેવું સ્પષ્ટપણે નજરે પડે છે. જેમાં ધ્રાંગધ્રા શહેરના ચરમાળીયા ગ્રાઉન્ડ ખાતે આવેલી એક ખાનગી હોસ્પિટલ દ્વારા ગંદા પાણીનો બગાડ અને દુર્ગંધ યુક્ત ગંદુ પાણી જાહેરમાં ઠાલવી રહી છે. છેલ્લાં કેટલાક વર્ષોથી આ પ્રકારે જાહેરમાં હોસ્પિટલના જેવું તેવું ગંદકી ભર્યું પાણી કાઢવામાં આવે છે પરંતુ નગરપાલિકા દ્વારા અત્યારસુધી ખાનગી હોસ્પિટલ સામે કોઈપણ પ્રકારની કામગીરી હાથ ધરી ન હતી.
- Advertisement -
જ્યારે આ ખાનગી હોસ્પીટલ દ્વારા જાહેરમાં ગંદા પાણીને લીધે પાસે આવેલા તાલુકા પંચાયત કચેરી અને સરકારી પુસ્તકાલયમાં આવતા નાગરિકોને મુશ્કેલી વેઠવી પડે છે છતાં પણ સ્થાનિક પાલિકાને માત્ર સ્વચ્છતાની વાતો કરવા સિવાય કામગીરી કરવામાં રસ ન હતો પરંતુ જ્યારે “ખાસ-ખબર” દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કર્યો ત્યારે નગરપાલિકાને ન છૂટકે કામગીરી કરવી પડી હતી જોકે પાલિકાની આ કામગીરી પણ માત્ર નાટક હોય તેવું સ્પષ્ટ થતું હતું કારણ કે જ્યારે શહેરની મુખ્ય બજારમાં કોઈ નાના વેપારી અથવા લારી ધારક કચરો નાખે ત્યારે પાલિકા મનફાવે તેવો દંડ આપે છે જ્યારે વર્ષોથી ખાનગી હોસ્પિટલ આ પ્રકારનું ગંદુ અને દુર્ગંધ યુક્ત પાણી જાહેરમાં કાઢે છતાં તેને માત્ર પાચ દિવસની સામાન્ય નોટિસ આપી કામગીરી દર્શાવાય છે.
આ તરફ ખાનગી હોસ્પિટલના સંચાલક દ્વારા પણ નગરપાલિકાની નાટ્યાત્મક નોટિસને ઠેબે ચડાવી હોય તેવું નજરે પડે છે જેમાં નગરપાલિકાએ પાચ દિવસની આપેલી નોટિસ બાદ પણ ખાનગી હોસ્પીટલ દ્વારા પાણી જાહેરમાં કાઢવાનું બંધ કર્યું નથી જેથી પાલિકાની નોટિસ અને તંત્રને હોસ્પિટલ ગાઠતું ન હોય તેવું નજરે પડ્યું છે.