જવાબદારો સામે કોઇ પગલાં લેવાશે? કે માત્ર તપાસનું નાટક જ ચાલશે
વડાળી ગામે પવનચક્કી માટે નદીમાં આડેધડ ઊભા કરાયેલાં વીજપોલ ધરાશાયી, કરંટથી પક્ષીઓના મોત નિપજ્યા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ચોટીલા તાલુકાના વડાળી ગામે પવનચક્કીની વિન્ડ વર્લ્ડ ઇન્ડિયા લિમિટેડ નામની કંપની દ્વારા અનેક વીજપોલ નદીમાં જ ઉભા કરી દેવામાં આવ્યા છે. જો કે વરસાદના કારણે વીજપોલ જમીન દોસ્ત થયા હતા જેથી લોકોમાં ભય ફેલાયો હતો. તેમાં ડઝનબંધ રાષ્ટ્રીય પક્ષી મોરને કરંટ લાગતા મૃત્યુ થયાનું ગામ લોકો દ્વારા જણાવાયું છે. આ ઘટના પ્રકાશમાં આવતા જ અનેક મીડિયા સ્થળ પર પહોંચ્યા હતા પરંતુ હજુ સુધી તંત્ર દ્વારા ત્યાં તપાસ પણ કરવામાં આવી નથી. આમ આ ગંભીર મુદ્દો હોવા છતા હજુ પણ તંત્ર મૌન છે. આ અંગે જવાબદારો સામે ગુનો દાખલ કરી યોગ્ય પગલા લેવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માગ કરાઇ છે. અનેક રજૂઆત છતા કોઇ કાર્યવાહી કરાઇ નથી ત્યારે તંત્ર આ મુદ્દે પવનચક્કી કંપની વિન્ડ વર્લ્ડ ઇન્ડિયા લિમિટેડના જવાબદાર અધિકારીઓ સામે કોઇ પગલાં લેશે કે પછી માત્ર તપાસનું નાટક જ કરશે તે જોવાનું રહ્યુ. પવનચક્કી કંપનીના માલિકો રાજકીય વગ ધરાવતા હોવાથી તેની સામે કોઇ પગલા લેતુ ન હોવાનું પણ લોકમાં ચર્ચાઇ રહ્યુ છે. પવનચક્કી કંપનીઓ વિરુદ્ધ ચોટીલા નાયબ કલેક્ટરને એક અરજી કરી જાણ કરાઈ હતી.
ચોટીલા જસદણ રોડ પર આવેલા વડાળી ગામે વિન્ડ વર્લ્ડ ઇન્ડિયા લિમિટેડ કંપની દ્વારા 8થી વધારે પવનચક્કી ઊભી કરવામાં આવી છે. તેનો પાવર પીજીવીસીએલ સબ સ્ટેશન સુધી પહોંચાડવા આડેધડ વીજપોલ ઊભા કરવામાં આવ્યા છે. વડાળી ગામના જાગૃત નાગરિક મેતા મિતુલકુમાર વીરાભાઈએ નાયબ કલેક્ટર અને નાની મોલડી પોલીસ સ્ટેશન ખાતે આ અંગે એક અરજી પણ આપવામાં આવી હતી. તેમાં ખેડૂતોને રસ્તા પર વીજપોલ પડી જતા તેમાં કરંટના કારણે ભય ઊભો થયો છે. તેમાં 66 કેવીની લાઈનના વીજપોલ નદીની અંદર ઊભા કરી દેવામાં આવ્યા છે. તે વરસાદ દરમિયાન નદીમાં પાણીનો પ્રવાહ વધી જતા જમીનનું ધોવાણ થતાં વીજપોલ જમીનદોસ્ત થઇ ગયા છે. તેમાં રસ્તામાં વીજ વાયરના કારણે રસ્તો બંધ થતા ખેડૂતોમાં મુશ્કેલી ઊભી થવા પામી છે.
- Advertisement -
તાત્કાલિક વીજપોલ નહીં હટાવાય તો ગ્રામજનોની આંદોલનની ચીમકી
પવનચક્કી કંપની દ્વારા અનેક વીજપોલ નદીમાં ઊભા કરી દેવામાં આવ્યા છે ત્યારે ગ્રામજનો અને ખેડૂતોએ આ વીજપોલ દૂર કરવાની માગણી કરી છે તેમજ જો બે દિવસમાં દૂર નહીં થાય અથવા તો કોઇ પગલા નહીં લેવાય તો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
વીજપોલ પર એકપણ બર્ડ ગાર્ડ લગાવવામાં આવ્યા ન હોવાનો ગ્રામજનોનો દાવો
વીજપોલ પર પક્ષીને કરંટ ન લાગે તે માટે ખાસ પ્રકારના બર્ડ ગાર્ડ લગાવવાના હોય છે પરંતુ અહીં એકપણ બર્ડ ગાર્ડ લગાવવામાં આવ્યા ન હોવાનો ખેડૂતો અને આસપાસના લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
વાઇલ્ડ લાઇફ પ્રોટેકશન એક્ટ મુજબ સજા તેમજ દંડની જોગવાઇ
રાજકોટના સિનિયર એડવોકેટના જણાવ્યા અનુસાર ભારતનું રાષ્ટ્રીય પક્ષી મોર કાયદા હેઠળ સંરક્ષિત પક્ષી છે ત્યારે આ બનાવમાં વાઇર્લ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ મુજબ ભારતીય ન્યાય સંહિતાની કલમ 291 લાગુ પડે, ત્યારે આ કાયદાનો ભંગ કરનારને 2થી 5 વર્ષ સુધીની સજા અને એક લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઇ છે.