રાજકોટ મહાપાલિકા તંત્ર સામે શાકભાજીના વેપારીઓનો જંગ
મ્યુનિ. કમિશનર અને ધારાસભ્ય રમેશ ટીલાળાને વેપારીઓની ઉગ્ર રજૂઆત; લાખાજીરાજ રોડ માર્કેટ 4 મહિનાથી બંધ થતાં રોજીરોટીનો પ્રશ્ર્ન વિકરાળ બન્યો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરની મુખ્ય શાકમાર્કેટોના ભાડા અને સફાઈ ચાર્જમાં કરવામાં આવેલા અસહ્ય વધારા સામે નાના વેપારીઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. એક તરફ માર્કેટોમાં ગંદકી અને જર્જરિત હાલત છે, ત્યારે બીજી તરફ તંત્ર દ્વારા સીધો બમણો ભાવવધારો ઝીંકી દેવામાં આવતા આજે વેપારી અગ્રણીઓની આગેવાનીમાં મ્યુનિસિપલ કમિશનર અને ધારાસભ્યને રૂબરૂ મળી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.
સ્ટેન્ડિંગ કમિટી દ્વારા શહેરની જાણીતી શાકમાર્કેટો જેવી કે ભોજાભગત (દેવપરા), હડુકો, જ્યુબેલી, લાખાજીરાજ રોડ અને ગોવિંદબાગ વગેરેમાં આવેલા થડાના ભાડા અને સફાઈ ચાર્જમાં વર્તમાન દર કરતા સીધો 100% વધારો કરવામાં આવ્યો છે. શાકમાર્કેટ વેપારી એસોસિએશનના અગ્રણી અશ્વિનભાઇ જોબનપુત્રાની આગેવાનીમાં વેપારીઓએ જણાવ્યું હતું કે, આ મોંઘવારીના જમાનામાં નાના વેપારીઓ પર આર્થિક બોજ નાખવોએ પાયાનો અન્યાય છે.
વેપારીઓએ તંત્ર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, મનપા સફાઈ ચાર્જ વસૂલે છે, પરંતુ માર્કેટોમાં ગંદકીનું સામ્રાજ્ય છે. વેપારીઓએ સ્વખર્ચે ફાળો ઉઘરાવીને સફાઈ કરાવવી પડે છે. માર્કેટોની ઇમારતો અત્યંત બિસ્માર છે, ચોમાસામાં પાણી ટપકે છે અને પાયાની સગવડોનો અભાવ છે. સુવિધા આપવાને બદલે માત્ર વસૂલાત પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આ અન્યાયી નિર્ણય વિરુદ્ધ મ્યુનિસિપલ કમિશનર તુષારભાઈ સુમેરા અને વિધાનસભા-70 ના ધારાસભ્ય રમેશ ટીલાળાને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. આ તકે શ્રી રઘુવંશી યુવા શક્તિ સંઘના ગુજરાત પ્રમુખ કે.ડી. રઘુવંશી, શહેર સંગઠન વોર્ડ સંયોજક રામભાઈ લાલચેતા, મીતભાઈ અનડકટ સહિતના સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાખાજીરાજ રોડ માર્કેટ: રિનોવેશનના નામે વેપારીઓ પાયમાલ
સૌથી વધુ રોષ લાખાજીરાજ રોડ માર્કેટના વેપારીઓમાં જોવા મળ્યો હતો. રિનોવેશનના બહાને છેલ્લા 4 મહિનાથી માર્કેટ ખાલી કરાવી દેવામાં આવી છે, પરંતુ હજુ સુધી કામગીરીનો પ્રારંભ પણ થયો નથી. અત્યારે કેરીની મુખ્ય સિઝન ચાલી રહી છે ત્યારે માર્કેટ બંધ હોવાથી સેંકડો નાના વેપારીઓની રોજીરોટી છીનવાઈ ગઈ છે. તંત્રની આ ઢીલી નીતિથી મધ્યમ વર્ગના પરિવારો મરવા વાંકે જીવી રહ્યા છે.



