ટોલનાકું બનતાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને 400 રૂપિયા જેટલો તોતિંગ ટોલનો મારો
ખાસ-ખબર સંવાદદાતા
મોંઘવારી લોકોની કમર કસી રહી છે પરંતુ સરકાર અને વહીવટી તંત્ર લોકોના ખિસ્સા ખાલી કરવામાં જરાંપણ પાછી પાછી નથી કરી રહ્યા. રાજકોટ બામણબોર સેકશનને 6 માર્ગીય કરવામાં માલીયાસણ ગામ પાસે ટોલનાકું બનાવીને ખેડૂતો અને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સાથે અન્યાય કરીને લોકો પાસે પૈસા ખંખેરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
- Advertisement -
માલીયાસણ ગામના અસરકર્તા ખેડૂતો, જી.આઈ.ડી.સી. ના હોદ્દેદારો સહિત ટોલનાકાનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે, વિસંગતતા સાથે જમીન સંપાદન કરીને પ્રભાવિત ખેડૂતોને અન્યાય કર્યો છે. બીન ખેતી થયેલી જમીનને બજાર ભાવ પ્રમાણે વળતર આપીને જ્યારે ખેતીની જમીનને બજાર ભાવથી 10 ટકા ઓછું વળતર આપીને અન્યાય કર્યો છે. આ ઉપરાંત રૂડાના ઠરાવ પ્રમાણે પ્રભાવિત ખેડૂતોને 40 ટકા રીઝર્વેશનમાં બાદ કરવાનો લાભ પણ પ્રશાસન દ્વારા આપવામાં આવ્યો નથી.
મોઢામાં મગ ભરીને બેઠેલા તંત્રને ખેડૂતો દ્વારા અનેકવાર રજુઆત કરવામાં આવી છે તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ખેડૂતોને એક કચેરીથી બીજી કચેરીમાં ઘક્કા ખવડાવીને પોતાના કાર્યક્ષેત્રમાં નથી આવતું તેમ કહીને હાથ ઊંચા કરી દે છે. વિસંગત જમીન સંપાદનને કારણે ખેડૂતોના ઉભા પાકને પણ લાખોનું નુકશાન કર્યું છે. ટોલનાકાને કારણે ખેડૂતોની સાથે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ અને સામાન્ય નાગરીકને પણ મોંઘવારીનો ડામ લાગશે. આસપાસની જી.આઈ.ડી.સીના માલની અવર-જવર કરતાં વાહનોને 400 રૂપિયા જેટલો તોતીંગ ટોલ ભરવો પડશે. ટૂંક સમયમાં રાજકોટ થી અમદાવાદમાં ત્રણ થી ચાર ટોલ પ્લાઝાનું નિર્માંણ થશે. કોરોનાને લીધે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને ઘણો ફટકો પડ્યો છે. ત્યારે આ ટોલનાકા ઉભા થતાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગના મૃત્યુ ઘંટ સમાન બનશે.
ઉલ્લેખનીય છે કે, ટોલનાકું રાખવામાં આવશે તો સમગ્ર રાજકોટ શહેર, સૌરાષ્ટ્ર પંથક અને રાજ્યના સર્વે નાગરિકોનું અહિત થશે. તેથી ટોલનાકું રૂડા એટલે કે શહેરી વિસ્તારથી બહાર હોવું જોઈએ. તેથી વિનંતી કરવામાં આવી છે કે ખેડૂત, જી.આઈ.ડી.સી. ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સર્વેને વિચાર કરીને ટોલનાકાનું નિર્માણ હાથ ધરે.


