દર્પણ બારસિયાને પ્રશાંત કોરાટ અને મનસુખ ખાચરિયા છેક સુધી કોણીએ ગોળ જ ચોંટાડતા રહ્યા
રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અને પ્રદેશ યુવા પ્રમુખ જો ઈચ્છતા તો ઘણું કરી શકતાં હતાં
- Advertisement -
સતિષ શિંગાળાએ દર્પણ બારસિયાને 35 લાખનું બૂચ માર્યું, ઉપરથી છરીનાં ઘા માર્યા અને ઙઈં ગોંડલિયા પાસે માર ખવડાવ્યો છતાં પક્ષ-પોલીસમાંથી તેની પર કોઈ જ કાર્યવાહી નહીં!
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ જિલ્લા યુવા ભાજપના પ્રમુખ સતિષ શિંગાળાએ પોતાના ભાગીદાર દર્પણ બારસિયાને ધંધામાં દેવાના થતા 35 લાખ પરત ન આપવા કરેલા કાવતરાની જાણ રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરિયા તેમજ ગુજરાત પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ પ્રશાંત કોરાટને પણ હતી. ખાસ-ખબરના ગત અંક બાદ આજના અંકમાં આ વાતનો પુરાવો આપતી ઓડિયો ક્લિપ પ્રસ્તુત કરવામાં આવી છે. જેમાં દર્પણ બારસિયાએ રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરિયા અને પ્રદેશ ભાજપ યુવા પ્રમુખ પ્રશાંત કોરાટને ફોન કરી રાજકોટ જિલ્લા યુવા ભાજપ પ્રમુખ પદે રહી સતિષ શિંગાળાએ કરેલા કાવતરા અને પોતાને ન્યાય અપાવવાની માંગણી કરી હતી. સામે છેડે મનસુખ ખાચરિયા અને પ્રશાંત કોરાટે પણ દર્પણ બારસિયાને સતિષ શિંગાળા પાસેથી લેવાના થતા 35 લાખ પરત અપાવવાની વાત કરી હતી પરંતુ પાછળથી મનસુખ ખાચરિયા અને પ્રશાંત કોરાટે મળીને દર્પણ બારસિયાને માત્ર કોણીએ ગોળ જ ચોંટાડયો હતો, અધૂરામાં પૂરું સતિષ શિંગાળા પદ-પૈસાના જોરે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ. મેહુલ ગોંડલિયાને દર્પણ બારસિયાનો હવાલો આપવા તેમજ દર્પણ બારસિયાને ધમકીથી લઈ જાનથી મારી નાખવાના કૃત્ય કરવા સુધીના મામલે પક્ષ કે પોલીસમાંથી કોઇ પગલાં પણ લીધા નથી. આ પરથી લાગી રહ્યું છે કે, સતિષ શિંગાળાએ કરેલા કાવતરામાં ક્યાંય મનસુખ ખાચરિયા અને પ્રશાંત કોરાટ પણ તેમની સાથે સંકળાયેલા નથીને એવી ચર્ચાઓ ચાલી રહી છે.
- Advertisement -
PI મેહુલ ગોંડલિયા વિરુદ્ધ તપાસ ક્યારે?
દર્પણ બારસિયાએ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનનાં પી.આઈ. મેહુલ ગોંડલિયા વિરૂદ્ધ અરજી રાજકોટ પોલીસ કમિશનરમાં કરી છે. આ અરજી મુજબ રાજકોટ જિલ્લા યુવા ભાજપના પ્રમુખ સતિષ શિંગાળાએ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ. મેહુલ ગોંડલિયાને દર્પણ બારસિયા ધંધામાં લેવાના થતા 35 લાખ રૂપિયા ન માગે તે માટેનો હવાલો આપ્યો હતો. પી.આઈ. ગોંડલિયાએ દર્પણ બારસિયાને તા. 5 જુલાઈ 2022ની સાંજે લગભગ 7 વાગ્યે ઉઠાવી લીધો અને તાલુકા પોલીસ સ્ટેશન લઈ જઈને પચ્ચીસેક તમાચા માર્યા હતા. ત્યારબાદ સતિષ શિંગાળા ત્યાં આવ્યો હતો અને પછી પી.આઈ. ગોંડલિયાએ તેની હાજરીમાં દર્પણ બારસિયાને પટ્ટાથી અને પ્લાસ્ટિકનાં ધોકાથી બેફામ માર માર્યો હતો. અને મોડી રાત્રે દર્પણ બારસિયાને છોડી મૂક્યો હતો. પરંતુ હજુ સુધી પી.આઈ. ગોંડલિયા વિરુદ્ધ કોઈ તપાસ હાથ ધરવામાં ન આવતા આખરે આખાય પ્રકરણમાં અંદરખાને શું રંધાઈ રહ્યું છે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.
દર્પણ બારસિયાની મનસુખ ખાચરિયા અને પ્રશાંત કોરાટ સાથેની ઑડિયો ક્લિપ સાંભળવા અહીં ક્લિક કરો