રાજકોટ રેવન્યુ બાર એસોસિયેશને ગેઝેટને લગતા વિવિધ પ્રશ્ર્નો અંગે આવેદન આપ્યું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ રેવન્યુ બાર એસોસિયેશને આજે ગેઝેટ ઓફીસ ખાતે રેવન્યુ બાર એસોસિયેશને ગેઝેટને લગતા પડતર પ્રશ્નોને લઈને આવેદન પાઠવ્યું હતું. જેમાં અગાઉ સામાજીક પરંપરા અને હિન્દુ સંસ્કૃતિ મુજબ છુટાછેડા પંચ સમક્ષ થતા હતા અને તે માન્ય રાખવામાં આવતા હતા. ત્યારબાદ છુટાછેડા નોટરી સમક્ષ કરવામાં આવતા હતા અને તે પ્રથા પ્રચલિત હતી. ત્યારબાદ ભારત સરકારનાં તા.10-10-2024ના રોજના પત્રથી નોટરી સમક્ષ થતા છુટાછેડા કાયદેસર રીતે માન્ય નથી તેવો લેટર નોટરી સેલને લખવામાં આવેલ હતો તે લેટરના આધારે હાલમાં આપની કચેરીમાં પહેલા થયેલા છુટાછેડામાં પણ ડિક્રી માંગવામાં આવે છે. ખરેખર પહેલા થયેલા છુટાછેડામાં હાલમાં કોર્ટનાં ડિક્રી લેવો શકય ન હોય અને આવા પરિપત્રનો પાછલી તારીખથી અમલવારી કરવાનો કોઈ ઉલ્લેખ પણ ન હોય, ડિક્રી બાબતને લઈને સત્વરે ઉકેલ લાવવો જોઈએ. આ સિવાય તા. 5-10-2024ના રોજ રોજના પરિપત્ર મુજબ નામ, અટક બદલીમાં તાત્કાલિક અસાધારણ ગેઝેટની પ્રસિદ્ધી માટે 2500 રજિસ્ટ્રેશન ફી લેવામાં આવતી હોય અને તે ચકાસણી કરીને 3 દિવસમાં આપવાનું હોય છતા 15 દિવસથી એક મહિનો થઈ જવા છતા ઇ- ગેઝેટ પ્રસિધ્ધ થતું ના હોય આ અંગે યોગ્ય નિરાકરણ કરવા આપને આગ્રહ છે.
છેલ્લા 3 મહિનામાં જે ગેઝેટમાં કવેરી આપવામાં આવેલી છે તે કઈ પ્રકારની છે ? અને શા માટે કાઢવામાં આવેલી છે? તેની તપાસ કરશો એટલે આપ સાહેબને ખ્યાલ આવશે એક જ વિષય વસ્તુ માટે એક કેસમાં કવેરી આપવામાં આવે છે અને અન્યમાં જવા દેવામાં આવે છે. આવુ શા માટે કરવામાં આવે છે તે જાણશો એટલે સ્પષ્ટ ખ્યાલ આવશે અને સરકારને ક્વેરી કાઢીને પરત મોકલવાનો ખર્ચ થાય છે આ સિવાય ગેઝેટ કચેરીમાં કામ કરતાં અને અરજી સ્વીકારતા કર્મચારીઓનું વર્તણુંક અને વાણી સરકારી કર્મચારીઓને શોભે તેવી ન હોય તેમજ ગેઝેટ સુધારા માટે લોકો વકીલોને રાખતા હોય અને વકીલો સાથે કર્મચારી દ્વારા કરવામાં આવતા વર્તણુંક તોછડું અને બેહુદુ હોય છે જ્યારે કર્મચારીઓ માર્ગદર્શન આપવાના બદલે અપમાનજનક વર્તન કરતા હોય. આ અંગે તાત્કાલિક નિરાકરણ લાવવા આપને અરજ છે. આ આવેદન દરમિયાન રાજકોટ રેવન્યુ બાર એસોસિયેશના રમેશભાઈ કથીરિયા, સેક્રેટરી વિજય તોગડિયા સહિતના વકીલો ઉપસ્થિત રહ્યા હતા.