ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે વ્હેલી સવારથી મોડી સવાર સુધી ગાઢ ધુમ્મસ સાથે ઝાકળ વર્ષા થઇ હતી. દરીયાઇ ભેજવાળા પવનો ફુંકાતા આજે સવારે રાજકોટ સહિત અનેક સ્થળોએ હવામાં ભેજ 90 થી 100 ટકા નોંધાતા ગાઢ ધુમ્મસ છવાયુ હતું.
ધુમ્મસના પગલે આજે સવારે રાજકોટ સહિત રાજયભરમાં ઠંડી સાવ નહીંવત થઇ જવા પામી હતી અને મોટા ભાગનાં સ્થળોએ સવારનું તાપમાન ઉંચકાયુ હતું.દરમ્યાન આજે સવારે ભારે ઝાકળ વર્ષાનાં પગલે રાજકોટ સહિત અનેક સ્થળોએ આહલાદક વાતાવરણ છવાયું હતું. હાઇવે તથા શહેરોનાં રાજમાર્ગો ઉપર ધુમ્મસનાં પગલે વાહન ચાલકોને દુરના દૃશ્યો નિહાળવામાં ભારે મુશ્કેલી પડી હતી. તેમજ ગાઢ ધુમ્મસની સાથોસાથ મોડી સવાર સુધી સુર્યદેવતાના દર્શન થયા ન હતા સવારે 9 વાગ્યા બાદ ધુમ્મસ વિખેરાતા સુર્યદેવતાના દર્શન થયા હતા.
- Advertisement -
શિયાળાની ઋતુ ફુલગુલાબી ઠંડીનો અહેસાસ કરાવી રહી છે.ત્યારે ગોંડલમાં આજે વહેલી સવારથી જ ઝાકળ વર્ષા જોવા મળી હતી.ઝાકળ વર્ષાના નયનરમ્ય દૃશ્યોમાં ગોંડલની શાન ગણાતી હેરિટેજ સગ્રામજી હાઈસ્કૂલના ટાવરની ઘડિયાળ પણ વિતી ગયેલ અને આવનાર વર્ષનો સમય બતાવી રહ્યો છે.ત્યારે સ્કૂલના ગ્રાઉન્ડમાં વોકિંગ ટ્રેક પર લટાર મારતા શહેરીજનો અને ક્રિકેટ રસીયાએ ઝાકળ વર્ષાની મોજ લુટતા જોવા મળ્યા હતા. જયારે સુરેન્દ્રનગર શહેર અને જિલ્લા એક સપ્તાહથી ઠંડીનો ચમકારો વર્તાયો છે.