બાંગ્લાદેશમાં બળવાને લઈને મોદી સરકારની સર્વપક્ષીય બેઠક, વિપક્ષી પાર્ટીઓના નેતાઓએ સર્વદળીય બેઠકમાં કહ્યું કે તેઓ આ મુદ્દે સરકારની સાથે
બાંગ્લાદેશમાં હિંસાને લઈ વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે. આ દરમિયાન હવે બાંગ્લાદેશમાં બળવાને લઈને મોદી સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી કે, પાડોશી દેશમાં ખરાબ પરિસ્થિતિ વચ્ચે ભારતની રણનીતિ શું હોવી જોઈએ. આ બેઠકમાં કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પણ હાજર હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, વિપક્ષી પાર્ટીઓના નેતાઓએ સર્વદળીય બેઠકમાં કહ્યું કે, તેઓ આ મુદ્દે સરકારની સાથે છે. બેઠકમાં રાહુલે કહ્યું કે, આ મુદ્દાને લઈને મધ્યમ અને લાંબાગાળાની રણનીતિ હોવી જોઈએ. વિદેશ પ્રધાન એસ જયશંકરે કહ્યું કે, હાલમાં પરિસ્થિતિ પ્રવાહી અને વિકાસશીલ છે.
- Advertisement -
ભારત બાંગ્લાદેશની સેનાના સંપર્કમાં
આ તરફ જ્યારે બેઠકમાં બાંગ્લાદેશમાં ભારત વિરોધી ભાવના પર ચર્ચા કરવામાં આવી હતી,ત્યારે સૂત્રોના જણાવ્યા અનુસાર એવું કહેવામાં આવ્યું હતું કે, કેટલીક જગ્યાએ આ જોવા મળ્યું છે પરંતુ બાંગ્લાદેશમાં જે પણ સરકાર આવશે તેની સાથે ભારત વ્યવહાર કરશે. બેઠકમાં એ પણ કહેવામાં આવ્યું કે, ભારત બાંગ્લાદેશ સેના સાથે સતત સંપર્કમાં છે અને સરહદ પર ચિંતા કરવાની જરૂર નથી. આગળના વિકાસ પર માહિતી શેર કરવામાં આવશે.
શું હિંસા પાછળ કોઈ બહારનો હાથ?
સૂત્રોના જણાવ્યા અનુસાર બેઠકમાં રાહુલ ગાંધીએ પૂછ્યું કે, શું બાંગ્લાદેશની સ્થિતિ પાછળ કોઈ બહારનો હાથ છે? એવું કહેવામાં આવ્યું હતું કે, બાહ્ય દળોની સંડોવણી વિશે કહેવું ખૂબ વહેલું હશે. જો કે, એક પાકિસ્તાની જનરલે તેની સોશિયલ મીડિયા ડીપી બદલીને બાંગ્લાદેશમાં ચાલી રહેલા હંગામાનું સમર્થન કર્યું હતું. પરંતુ હજુ પણ કંઈપણ કહેવું વહેલું છે.
ભારતની એડવાઈઝરી બાદ 8 હજાર વિદ્યાર્થીઓ પરત ફર્યા
સર્વપક્ષીય બેઠકમાં કહેવામાં આવ્યું હતું કે, બાંગ્લાદેશમાં 20 હજાર ભારતીયો હતા જેમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ હતા. જ્યારે સ્થિતિ વધુ વણસી ત્યારે ભારત સરકારે એડવાઈઝરી બહાર પાડી ત્યારે આમાંથી 8 હજાર વિદ્યાર્થીઓ પરત ફર્યા હતા. જોકે હજુ પણ 12 હજાર ભારતીયો ત્યાં હાજર છે. શેખ હસીનાના સંબંધમાં બેઠકમાં કહેવામાં આવ્યું હતું કે, તેઓ શું ઈચ્છે છે તે સમજવા માટે તેમને થોડો સમય અને જગ્યા આપવામાં આવે.
આંદોલનકારીઓ હસીનાના રાજીનામા પર હતા અડગ
નોંધનિય છે કે, ગઇકાલે એટલે કે સોમવારે બપોરના સમયે સમાચાર આવ્યા કે, વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપી દેશ છોડી દીધો છે. વિગતો મુજબ બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓ અનામતનો વિરોધ કરી રહ્યા હતા. હિંસક દેખાવો બાદ શેખ હસીના સરકારે તેમની માંગણીઓ સ્વીકારી લીધી હતી પરંતુ આ પછી પણ તેઓએ તેમનું આંદોલન સમાપ્ત કર્યું નથી. આંદોલનકારીઓ શેખ હસીનાના રાજીનામાની માંગ કરવા લાગ્યા. વધતી હિંસા વચ્ચે 5 ઓગસ્ટના રોજ શેખ હસીનાએ રાજીનામું આપી દીધું અને ભારતના હિંડન એર બેઝ પર આવ્યા. ત્યારથી તેને અહીં સેફ હાઉસમાં રાખવામાં આવ્યા હોવાનું કહેવાય છે.