ટીપીના રોડ પરથી ધાર્મિક દબાણો હટાવાયા: ચુસ્ત બંદોબસ્ત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ગઇકાલે મોડી રાત્રે વેસ્ટ ઝોનમાં આવેલા રૈયા ધાર મેઇન રોડ પર એક દરગાહ અને બે દેરીના દબાણો રોડ પરથી તોડી પાડવામાં આવ્યા હતા. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિથી આ મીની ડિમોલીશન પૂરા થયા હતા. મહાપાલિકાના તંત્રમાંથી મળેલી વિગતો મુજબ સરકારના આદેશથી રસ્તા પરના ધાર્મિક દબાણો તોડવા માટે સમયાંતરે કાર્યવાહી થતી રહે છે. જિલ્લામાં પણ ડિમોલીશન થાય છે.
ગત સપ્તાહે કુવાડવા રોડ પર આવું જ દબાણ તોડી પાડવામાં આવ્યું હતું. બાદ ગત રાત્રે મનપા અધિકારીઓની ટીમે ચુસ્ત બંદોબસ્ત સાથે કાર્યવાહી કરી હતી. ટીપી અધિકારીઓએ રૈયાધાર રોડ પર ડિમોલીશન કર્યુ હતું.
વોર્ડ નં.1માં રૈયાધાર મેઇન રોડ પર એટલાન્ટિસ હીલ બિલ્ડીંગ પાસે આવેલ ગેબનશાહ પીરની દરગાહનું 10 ચો.મી.માં પથરાયેલુ દબાણ તોડી પાડવામાં આવ્યું હતું. આ દબાણ ટીપી શાખાના લીસ્ટમાં લાંબા સમયથી હતું પરંતુ ડિમોલીશનમાં વિલંબ થતો હતો. આ સાથે જ આ રોડ પર સાગર ડેરી પાસે આવેલ રોકડીયા હનુમાનજી મંદિરની દેરી અને આગળ ધરમનગર મેઇન રોડના ખુણે આવેલ હનુમાનદાદાની દેરીનું દબાણ પણ હટાવાયુ હતું.
આ ઓપરેશન મોડી રાત્રે કરવામાં આવ્યું હોવા છતાં ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો અને શાંતિથી દબાણ હટાવવામાં આવ્યા હતા.