ખાસ-ખબર ન્યૂઝ રાણાવાવ
રાણાવાવ બાયપાસ રોડ પર સરકારી તથા ગૌચર જમીન ઉપર મોટેપાયે થયેલા દબાણ સામે તંત્રે કડક વલણ અપનાવતાં ડિમોલીશન કામગીરીનો આરંભ કર્યો છે. આ કાર્યવાહી હેઠળ પ્રથમ દિવસે કુલ 46,724 ચોરસ મીટર જમીન દબાણમુક્ત કરાવવામાં આવી છે.
- Advertisement -
જાણકારી મુજબ, રાણાવાવ વિસ્તારમાં છેલ્લા અનેક વર્ષોથી સરકારી અને ગૌચર જમીનો પર પેશકદમી કરવામાં આવી રહી હતી. આ અંગે સ્થાનિક રહેવાસીઓ તેમજ સામાજિક આગેવાનો દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી. અને દબાણકારોને તંત્ર દ્વારા અનેકવાર નોટિસો આપવામાં આવી હોવા છતાં તેમણે સ્વેચ્છાએ દબાણ દૂર કરવાનું ટાળ્યું હતું. આજથી તંત્રએ પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહીનો આરંભ કર્યો છે. પ્રથમ તબક્કામાં સર્વે નં. 263 પર આવેલ સરકારી જમીન ઉપર થયેલા 15,624 ચોરસ મીટર વિસ્તાર તથા સર્વે નં. 268 ઉપર આવેલ ગૌચર જમીન ઉપર થયેલા 31,100 ચો.મી. દબાણ દૂર કરાયું છે. બંને સ્થળોએ બાંધકામરૂપે દીવાલો તથા વંડાઓ બનાવવામાં આવ્યા હતા, જેને તોડી પાડવામાં આવ્યા છે. આ કામગીરીના પગલે દબાણકારોમાં ચર્ચા અને ફફડાટનો માહોલ સર્જાયો છે. તંત્રના સૂત્રો દ્વારા જાણવા મળ્યા અનુસાર આવનારા દિવસોમાં પણ આવા દબાણો સામે તડાકે કાર્યવાહી યથાવત્ રાખવામાં આવશે.