હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કેન્દ્રીય
મંત્રાલયને રજૂઆત, સ્થાનિક લોકોને રાહત માટે અનુરોધ
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.21
પોરબંદરવાસીઓને ત્રણ બાજુએથી ઘેરતા ટોલટેક્સના ભારથી મુક્તિ અપાવવાની માંગ કરવામાં આવી છે. હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયા દ્વારા કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રીને આ અંગે રજૂઆત કરવામાં આવી છે. તેમની રજૂઆતમાં નોંધવામાં આવ્યું છે કે પોરબંદર નજીકના 40 કિલોમીટરના વિસ્તારમાં ત્રણ ટોલનાકા સ્થિત છે – વનાણા, કુછડી અને ગોરસર – જે સ્થાનિક લોકો પાસેથી વધુ પડતો ટોલ ટેક્સ વસૂલતા રહ્યા છે. મોઢવાડિયાએ જણાવ્યું કે, ટોલ ટેક્સની આ વસુલાત ગંભીર સમસ્યા બની છે, ખાસ કરીને જ્યાં નેશનલ હાઈવે પરની સુવિધાઓ સંતોષકારક નથી.
- Advertisement -
રઝડતા પશુઓના કારણે થયેલા અનેક અકસ્માતો, તૂટેલા ડિવાઇડર્સ, ગાબડા પડેલા રસ્તાઓ અને બંધ લાઇટો જેવી સમસ્યાઓથી હાઈવે ઓથોરિટી નિષ્ફળ રહી છે. સંસ્થાએ માંગ કરી છે કે નેશનલ હાઈવે નજીકના પોરબંદરવાસીઓને ટોલ ટેક્સમાં સંપૂર્ણ મુક્તિ આપવામાં આવે, કારણ કે તેમને હાઈવેની ઘટતી સ્થિતિ સામે ઝઝૂમવું પડે છે.
1. વનાણા ટોલનાકુ:
પોરબંદરથી માત્ર 10 કિમીના અંતરે.
2. ગોરસર ટોલનાકુ:
પોરબંદર-માધવપુર નેશનલ હાઇવે પર.
3. કુછડી ટોલનાકુ:
પોરબંદર-દ્વારકા નેશનલ હાઇવે પર, 15 કિમી દૂર.
સુવિધાઓનો અભાવ અને હાઈ-વેની ખરાબ સ્થિતિ
- Advertisement -
રામદેવભાઈએ પોતાના પત્રમાં દાવો કર્યો છે કે હાઈવે પર વ્યાપક રીતે ગાબડા પડી ગયા છે, જે વાહનચાલકો માટે જોખમ સર્જે છે. લાઈટો બંધ છે, ડિવાઇડર તૂટેલા છે અને હાઈવે પર અવારનવાર રઝડતા પશુઓના કારણે અકસ્માતોની ઘટનાઓ વધી રહી છે. આ તમામ બાબતોમાં હાઈવે ઓથોરિટી નિષ્ફળ રહી છે, અને તેમ છતાં ટોલટેક્સની ઉઘરાણી કરવી એ તદ્દન અયોગ્ય છે.