સફેદ માટી ભરેલા ઓવરલોડ ડમ્પર ગ્રામજનો માટે માથાના દુ:ખાવા સમાન
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.20
સુરેન્દ્રનગર જિલ્લાના પેટાળમાં આવેલ ખનીજનો ભરપૂર ભંડાર ખનિજ માફીયાઓ માટે સ્વર્ગ સમાન છે. જિલ્લામાં સફેદ માટી, કોલસો, રેતી, પથ્થર સહિતનું ખાનું બેફામ ખનન થાય છે અને ખનિજ માફીયાઓ આ ખનીજનો ભંડાર લૂંટી જાય છે. પરંતુ તંત્ર કોઈ પ્રકારની તાકીદ લેવાની તસ્દી લેતું નથી. ત્યારે મૂળી તાલુકાના સરા ગામે આવેલા ખારા ડેમમાં પણ છેલા કેટલાક સમયથી સફેદ માટીનું ખનન ચાલુ રહ્યું છે. આ સફેદ માટીનું ગેરકાયદે ખનન તંત્રની દેખરેખ હેઠળ કે પછી અજાણતા ચાલી રહ્યું છે તે કહેવું મુશ્કેલ છે પરંતુ વારંવાર સફેદ માટીનું ખનન અંગે રજૂઆત છતાં પણ જો ખનિજ વિભાગ કોઈ પગલાં ન ભરે તો તંત્રની મિલી ભગત હોવાની વાત સ્પષ્ટ થાય છે. ખારા ડેમમાં ચાલતા સફેદ માટીના ગેરકાયદે ખનન કરતા ખનિજ માફીયાઓ દરરોજ અનેક ડમ્ફર સરા ગામની બજારમાંથી દિન દહાડે નીકળે છે અને ઓવરલોડ તથા માતેલા સાંઢની માફક નીકળતા આ ડમ્ફરને જોઈને બે ઘડી ગ્રામજનોને રોડની સાઈડમાં સ્થિર થઈ જવું પડે તે પ્રકારની સ્થિતિ સર્જાય છે. આ ઓવરલોડ ડમ્ફરના લીધે ગામના રોડ પણ ભાંગી પડ્યા છે જે અંગેની પણ રજૂઆત ગ્રામજનોએ અનેક વખત કરી છે પરંતુ ખનિજ વિભાગના અધિકારીને આરામ કરવામાંથી જ્યારે છૂટકારો મળે ત્યારે ગેરકાયદે ખનન રોકવાની કામગીરી કરશે ? આ તરફ હવે ખનિજ માફીયાઓ પણ રજૂઆત કરનારને ધમકીઓ આપી દબાવવાનો પ્રયાસ કરે છે જેથી હવે ગ્રામજનો પણ ખનિજ માફીયાઓ અને ગેરકાયદેસર ખનનથી ત્રાહિમામ પોકારી ઊઠયા છે.