શિવરાજપુર બિચ એસોસીએસન દ્વારા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત
બોટિંગ, સ્કુબા ડાઇવિંગ, જેટસ્કી અને પેરાસેલિંગ સંપૂર્ણપણે બંધ હોવાથી અનેક સ્થાનિક યુવાનો બેરોજગાર બન્યા
- Advertisement -
‘ઇનલેન્ડ વેસલ્સ ઍક્ટ’ અમલીકરણમાં વિલંબથી સ્થાનિક રોજગારી અને પ્રવાસન ક્ષેત્રને અસર
ખાસ-ખબર ન્યૂઝ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિશ્વવિખ્યાત શિવરાજપુર બીચ પર છેલ્લા દોઢ વર્ષથી વોટર સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓ બંધ રહેતા સ્થાનિક રોજગારી અને પ્રવાસન પર ગંભીર અસર પડી હોવાનું મુદ્દો ઉઠાવતા શિવરાજપુર બિચ એસોસિએશને ગુજરાત સરકારના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીને લેખિત રજૂઆત કરી છે. પત્રમાં ‘ઇનલેન્ડ વેસલ્સ એક્ટ’ (ઈંટ અભિ)ંના અમલીકરણમાં થયેલા વિલંબને મુખ્ય કારણ ગણાવવામાં આવ્યું છે. એસોસિએશનના સંયોજક સુભાષભાઈ ભાયાણી દ્વારા કરાયેલી રજૂઆતમાં જણાવાયું છે કે શિવરાજપુર ખાતે બોટિંગ, સ્કુબા ડાઇવિંગ, જેટસ્કી અને પેરાસેલિંગ જેવી પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે બંધ હોવાથી અનેક સ્થાનિક યુવાનો બેરોજગાર બન્યા છે. દ્વારકા અને શિવરાજપુર આવતા પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે, જેના કારણે હોટેલ, રેસ્ટોરન્ટ, ટ્રાન્સપોર્ટ અને અન્ય નાના ધંધાઓ પર સીધી અસર પડી છે.
પત્રમાં ઉલ્લેખ કરાયો છે કે રાજ્યના અન્ય પ્રવાસન સ્થળો જેવા કે માંડવી (કચ્છ), સાબરમતી રિવરફ્રન્ટ (અમદાવાદ) અને પાવાગઢ ખાતે વોટર સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓ નિયમોનુસાર યથાવત ચાલુ છે. ત્યારે માત્ર શિવરાજપુરમાં જ લાયસન્સ પ્રક્રિયા લંબાવી પ્રવૃત્તિઓ બંધ રાખવી અતાર્કિક હોવાનું એસોસિએશનનું માનવું છે. આ મુદ્દે સ્થાનિક ધારાસભ્ય પબુભા માણેક તથા કેબિનેટ મંત્રી મુલુભાઈ બેરા દ્વારા પણ વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવાનું જણાવાયું છે. મુખ્યમંત્રી કાર્યાલય તરફથી જરૂરી કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હોવા છતાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવાયા નથી તેવી ફરિયાદ પત્રમાં કરવામાં આવી છે. એસોસિએશનનો આક્ષેપ છે કે અગાઉની મૌખિક રજૂઆતો દરમિયાન તંત્રએ આ મુદ્દો તેમના કાર્યક્ષેત્રમાં આવતો ન હોવાનું જણાવી જવાબદારી ટાળવાનો પ્રયાસ કર્યો છે. જો લાયસન્સ બાબતે કોઈ ટેકનિકલ અડચણ હોય, તો અરજદારોને લેખિતમાં જાણ કરવી જરૂરી છે. પરંતુ આજદિન સુધી કોઈ લેખિત પ્રતિસાદ આપવામાં આવ્યો નથી, જેના કારણે પ્રક્રિયા અટકેલી જ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું દ્વારકા અને શિવરાજપુરને વિશ્વકક્ષાનું ટુરિઝમ હબ બનાવવા સ્વપ્ન છે. વહીવટી બેદરકારીના કારણે આ લક્ષ્યાંકોને ધક્કો પહોંચી રહ્યો છે અને રાજ્યની પ્રવાસન નીતિના અમલીકરણમાં અવરોધ ઉભો થઈ રહ્યો છે. શિવરાજપુર બિચ એસોસિએશને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને વિનંતી કરી છે કે દ્વારકા, બેટ-દ્વારકા અને નાગેશ્વર આવતા લાખો શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓના હિતમાં ‘ઇનલેન્ડ વેસલ્સ એક્ટ’ અંતર્ગત લાયસન્સ પ્રક્રિયા તાત્કાલિક પૂર્ણ કરાવવામાં અંગત રસ લઇ પગલાં ભરવામાં આવે, જેથી વોટર સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓ ફરી શરૂ થઈ શકે અને સ્થાનિકોની રોજગારી મળી રહે. એસોસિએશને આશા વ્યક્ત કરી છે કે સરકાર આ જનહિતના પ્રશ્નનું વહેલી તકે સમાધાન લાવશે.



