ખાસ-ખબર સંવાદદાતા
લમ્પી વાયરસના કારણે દરરોજ રાજ્યભરમાં પશુઓના મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. પશુપાલકોની આજીવિકા સમાન પશુધન ખતમ થઈ રહ્યું હોવાથી માલધારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે જેથી મોરબી જીલ્લામાં લમ્પી વાયરસથી મૃત્યુ પામેલ પશુધનનાં પશુપાલકોને પશુ દીઠ એક લાખ રૂપિયાની સહાય આપવાની માંગ સાથે મોરબી માલધારી સમાજના અગ્રણીઓ અને લોકોએ કલેકટર મારફતે મુખ્યમંત્રીને રજુઆત કરી છે.
મોરબી જીલ્લામાં અસંખ્ય પશુધનના મોત થયેલા છે જે પૈકીનાં ઘણા પશુઓની નોંધ નથી અને ઘણા પશુઓને જે તે પશુપાલકોએ નિકાલ કરેલ છે ત્યારે આ બાબતે તમામ પશુપાલકો માલધારી કે અન્ય લોકોનો સર્વાંગી સર્વે કરી આવા મૃત પશુધન માટે પશુ દીઠ એક લાખ રૂપિયાની સહાય જાહેર કરવા માંગણી કરી છે. તમામ પશુપાલકોનાં પરિવારોની આજિવિકા માત્ર આ પશુ આધારિત હોય તેવા પરિવારો સાવ નિરાધાર અને બેરોજગાર બની ગયા છે. સબબ આ પ્રશ્ને તપાસ કરી આવા મૃત પશુઓની માહિતી મેળવી સંબંધકર્તા પશુપાલકોને ત્વરીત સહાય મળે તેવો પ્રબંધ થવાની માંગણી કરવામાં આવી છે તેમજ કોરોના કાળમાં જાહેર જનતાના હિતાર્થે આ માલધારીઓએ તેમના ઉત્પાદિત દૂધના ભાવ વધારેલ નહોતા. કોરોના જેવી ભયંકર બિમારીની પરવા કર્યા વિના ઘેર ઘેર જઈ દૂધ પહોંચતુ કરેલ તેથી હાલ આ માલધારીઓનાં પશુધન નાશ પામેલ છે અને જે તે લોકો બેરોજગાર બનેલ હોઈ સરકાર આ પશુપાલકોને વહેલી તકે મદદરૂપ થાય તેવી માંગ કરી છે.