પૂર્વ કેબિનેટમંત્રીએ સાંસદ અને હાઈવે ઓથોરિટીને કરી રજૂઆત
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદર મહાનગરપાલિકાની હદમાં આવેલ ટોલનાકું દૂર ખસેડવાની માંગ ઉઠી છે. પૂર્વ કેબિનેટમંત્રી અને પોરબંદરના પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયાએ આ મુદ્દે સાંસદ ડો. મનસુખ માંડવીયા અને હાઈવે ઓથોરીટીને રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે 1 જાન્યુઆરી, 2025ના નોટિફિકેશન દ્વારા પોરબંદર નગરપાલિકાને મહાનગર પાલિકાનો દરજ્જો આપ્યો છે. નવા મહાનગરપાલિકા વિસ્તારમાં રાણાવાવ તાલુકાના વનાણા અને દિગ્વિજયગઢ તથા પોરબંદર તાલુકાના રતનપર અને ઝાવર ગામોનો સમાવેશ થયો છે. આના કારણે વનાણા ખાતે આવેલ ટોલનાકું પોરબંદર મહાનગરપાલિકાની હદમાં આવી ગયું છે, જે નિયમોનુસાર યોગ્ય નથી. નિયમ મુજબ મહાનગરપાલિકા હદમાં ટોલનાકું ન હોવું જોઈએ. બોખીરીયાએ તાકીદે આ ટોલનાકું મહાનગરપાલિકાની હદ બહાર ખસેડવા માટે હાઈવે ઓથોરીટી અને સંબંધિત તંત્રને તાત્કાલિક કાર્યવાહી કરવા ભલામણ કરી છે.
- Advertisement -
સ્થાનિક જનતામાં પણ અસંતોષ
વનાણા ટોલનાકાને કારણે સ્થાનિક લોકો અને રોજ પોરબંદર આવતા-જતા નાગરિકોને બિનજરૂરી ટોલચાર્જ ભરવો પડે છે, જે તેમને અન્યાયસર લાગે છે. આ મુદ્દે લોકોમાં પણ અસંતોષ જોવા મળી રહ્યો છે અને ટોલનાકું દૂર ખસેડવા માટે સ્થાનિક સ્તરે પણ માગ ઉઠી છે. હવે હાઈવે ઓથોરીટી અને સરકાર આ મામલે શું નિર્ણય લે છે તે જોવાનું રહેશે.